Western Times News

Gujarati News

મહેસાણા કોર્પાેરેશનમાં વધુ ૧૦ ગામનો સમાવેશ કરાયો

મહેસાણા, નવ મહિના પહેલાં રચાયેલી મહેસાણા મહાનગરપાલિકામાં હવે પૂર્વ તરફનાં વધુ ૧૦ આખાં ગામ અને લાખવડ ગામનો બાકીનો રેવન્યૂ વિસ્તાર સમાવાતાં મનપા હદ વિસ્તાર ૭૯.૯૪ ચોરસ કિ.મી.થી વધીને ૧૨૦ ચો.કિ.મી. જેટલો થયો છે.

મહેસાણા નગરપાલિકાને ગત ૧ જાન્યુઆરીએ મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો હતો. જેમાં જૂના પાલિકા વિસ્તારમાં ફતેપુરા, રામોસણા, રામોસણા એનએ, દેદિયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તરેટી એમ આઠ સંપૂર્ણ ગામો, લાખવડ ગામ અને તેના કેટલાક રેવન્યુ વિસ્તાર ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર અને સખપુરડા ગામોના કેટલાક રેવન્યૂ વિસ્તારોનો સમાવેશ કરાયો હતો.

જે સાથે મહેસાણા મહાનગરનો કુલ વિસ્તાર ૭૯.૯૪ ચોરસ કિ.મી. અને કુલ વસતી અંદાજીત ૪.૩૦ લાખ જેટલી થઈ હતી. જો કે, મનપાની રચના સમયે મોટાભાગે શહેરના પશ્ચિમ વિસ્તારનાં ગામોનો સમાવેશ કરાયો હતો, જેથી શહેરને બંને તરફ સમતોલ કરવા પૂર્વ તરફનાં ગામોનો સમાવેશ કરવાની કવાયત શરૂ કરાઈ હતી.

મનપા દ્વારા શહેરની ફરતે રિંગ રોડ બનાવવાનો પ્રોજેક્ટ વિચારાયો છે, તે માટે પણ આ ગામોનો સમાવેશ જરૂરી હતો. જે અંતર્ગત વધુ ૧૦ ગામ આખાં અને લાખવડના બાકીના રેવન્યૂ વિસ્તારનો સમાવેશ કરવા સરકારમાં દરખાસ્ત કરાઈ હતી. જે મંજૂર કરીને ગુરુવારે સરકાર દ્વારા મહેસાણા મનપામાં આ નવો વિસ્તાર સમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

જે નવો વિસ્તાર આશરે ૪૦ ચો.કિ.મી.નો હોવાથી હવે મહેસાણા કોર્પાેરેશનનો કુલ હદ વિસ્તાર ૧૨૦ ચો.કિ.મી. થયો છે. નવા ભળેલાં ગામોની અંદાજીત વસતી ૨૩,૬૦૫ જેટલી હોવાથી મહેસાણા મનપાની વતસી પણ ૪.૩૦ લાખથી વધીને ૪.૫૩ લાખ જેટલી થઈ છે.

મહેસાણા મનપાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતાં આઈકોનિક રોડ, વોલ પેઈન્ટિંગ, સ્પેશ મેકિંગ, બગીચાઓ- તળાવોનો વિકાસ, નવા વિસ્તારોમાં સફાઈ, કચરાનું ડોર ટુ ડોર કલેક્શન, સફાઈ, સ્ટ્રીટલાઈટ, ગટર-પાણીના પ્રોજેક્ટનું આયોજન કરવા સહિત સર્વાંગી વિકાસ માટેનાં કામો શરૂ કરાયાં છે.

સાથે સાથે નવો વિકાસ પ્લાન, ટાઉન પ્લાનિંગ સ્કીમો બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે આ નવો વિસ્તાર ભળતાં ત્યાં પણ સ્ટ્રીટલાઈટ, ગટર, રોડ, બગીચા, સફાઈ સઘન કરાશે. તળાવોનો વિકાસ, સ્માર્ટ આંગણવાડીઓ વગેરે બનાવાશે.

ગામ કરતાં અનેકગણી વધુ ગ્રાન્ટ આવતી હોવાથી આરોગ્ય, શિક્ષણ, માળખાકીય સુવિધાઓ વધુ સારી મળતી થશે. તો શહેરની ફરતે રિંગ રોડ બનાવવાના પ્રોજેક્ટ અંગતર્ગત આ ગામોમાંથી ગ્રીન રિંગ રોડ પસાર થવાનો હોઈ ગામડાઓની કનેક્ટિવિટી પણ વધશે.મનપામાં સમાવાયેલાં નવાં ગામતાવડિયા, દેલા, ઉચરપી, વિરમપુરા, દેત્રોજપુરા, રામપુરા, કુકસ, રૂપાલ (કુકસ), હેબુવા અને શોભાસણ આખાં ગામ તેમજ લાખવડ ગામનો બાકીનો રેવન્યૂ વિસ્તાર હવે મહેસાણા મહાપાલિકાનો ભાગ બની ગયાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.