94 વર્ષના વૃદ્ધાને ત્વરિત ન્યાય અપાવતો મુખ્યમંત્રીનો સંવેદનશીલ નિર્ણય

File Photo
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર-2025ના રાજ્ય સ્વાગતમાં જનફરિયાદોનું નિવારણ કર્યું
સપ્ટેમ્બર-2025ના જિલ્લા સ્વાગતમાં 1321 અને તાલુકા સ્વાગતમાં 2616 રજૂઆતો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ
GAndhinagar, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલો રાજ્ય સ્વાગત નાગરિકોની સમસ્યાઓને સીધી જ સરકાર સમક્ષ પહોંચાડવાની સાથે તેમના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનું અસરકારક માધ્યમ બની
રહ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની સમસ્યાઓને હંમેશાં પ્રાથમિકતા આપી તેમના ત્વરિત નિવારણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે તેનું વધુ એક ઉદાહરણ સપ્ટેમ્બર માસના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જોવા મળ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમ દરમિયાન 94 વર્ષના એક વૃદ્ધાએ મુખ્યમંત્રી સમક્ષ પોતાને મળવાપાત્ર ભરણપોષણની રકમ અંગે અરજી રજૂ કરી હતી. તેમની વેદનાભરી રજૂઆત સાંભળીને મુખ્યમંત્રીશ્રીએ માનવીય સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડતાં તાત્કાલિક સંબંધિત જિલ્લા કલેક્ટરને આ વૃદ્ધાને વિનાવિલંબે ભરણપોષણની રકમ સુનિશ્ચિત રીતે મળે તેવો આદેશ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ વેળાએ એમ પણ સ્પષ્ટ કર્યું કે, દરેક નાગરિકના પ્રશ્નો પ્રત્યે સરકાર સંવેદનશીલ છે. એમાંય સિનિયર સિટિઝન્સ સમાજનું ગૌરવ છે અને તેમના કલ્યાણ માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે.
વધુમાં તેમણે જિલ્લા સ્તરના અધિકારીઓએ જનસામાન્યની રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળવા તેમજ વંચિત, પીડિત અને વૃદ્ધ નાગરિકોની અરજીઓને પ્રાથમિકતા સાથે નિરાકરણ કરવા માટે તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વલસાડ જિલ્લાના 7 જેટલા ખેડૂતોના ખેતરની માપણી અને સંપાદનના વળતર અંગે યોગ્ય ન્યાય મળે તે દિશામાં ત્વરિત કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપીને ખેડૂતો પ્રત્યે સંવેદનાનું પણ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
આ ઉપરાંત, જાહેર જગ્યા પર અનઅધિકૃત દબાણ દૂર કરવા તથા જમીન માપણીના પ્રશ્નો અંગે નાગરિકો પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખી જિલ્લા વહીવટી તંત્રને કાર્યવાહી કરવા માટે પણ મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચના આપી હતી.
25 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રાજ્યભરના 115 કરતા વધુ અરજદારો હાજર રહ્યા હતા તેમાંથી 14 જેટલા અરજદારોને મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ સાંભળ્યા હતા. આ ઉપરાંત બાકી અરજીઓ અંગે સંબંધિત વિભાગો તથા જિલ્લા સ્તરના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન જિલ્લામાં યોજાયેલા 1321 અને તાલુકા સ્તરે યોજાયેલા 2616 સ્વાગત કાર્યક્રમોમાં મળેલી અરજીઓ અંગે પણ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ધીરજ પારેખ, રાકેશ વ્યાસ તથા સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.