‘આ મંદિર બધાનું મંદિર છે, જે-જે અહીં દર્શને આવશે તેમને સુખ શાંતિ પ્રાપ્ત થશે: મહંત સ્વામી

જોધપુર BAPS સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો -સનાતન સંસ્કૃતિની ગંગા અને જ્ઞાનના કેન્દ્ર સમા મંદિરના લોકાર્પણ સમારોહમાં જોધપુર વાસીઓ ઉમટી પડ્યા
‘મંદિરમાં ભગવાનનો વાસ છે, આ મંદિર બધાને માટે છે’ – પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ
સનાતન સંસ્કૃતિના પોષણમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું કાર્ય અનેરૂ છે – કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત
25 સપ્ટેમ્બર, 2025 ગુરુવારના દિને છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જોધપુરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો ચરમસીમા રૂપ લોકાર્પણ સમારોહ રંગે ઉજવાયો હતો.
સાંજે 5:00 વાગ્યે શરૂ થયેલા લોકાર્પણ સમારોહનો મુખ્ય હાર્દ હતો, ‘મંદિરનું સમાજને પ્રદાન’. આ મંદિર નિર્માણના કાર્યને સફળ બનાવવા છેલ્લા સાત વર્ષથી સંતો અને જોધપુરના હજારો હરિભક્તો દિનરાત પરિશ્રમ કરી અનેકવિધ મુશ્કેલીઓ વેઠીને, આર્થિક અને શારીરિક સમસ્યાઓને ગણકાર્યા વગર રાજસ્થાનની શાન સમા સુંદર કલાત્મક અને અદભુત મંદિર કાર્યને પૂર્ણ કર્યું.
View this post on Instagram
લોકાર્પણ સમારોહમાં પૂ.આદર્શજીવન સ્વામીએ આજ જોધપુરના મંદિર નિર્માણની ‘ઇતિહાસ ગાથા’ વક્તવ્ય રૂપે પ્રસ્તુત કરી હતી.
પૂજ્ય મુનિવત્સલ સ્વામી એ ‘આ મંદિર જ્ઞાનનું કેન્દ્ર છે’ વિષયક જ્ઞાન સભર વક્તવ્યનો લાભ આપ્યો હતો. સદગુરુ વિવેકસાગર સ્વામીએ આ મંદિર દ્વારા ભક્તિ ગંગાની ભગીરથી કેવી રીતે વહેશે વિષયક ભક્તિમય વક્તવ્યથી પ્રેરિત કર્યા. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ આવા મંદિરોના નિર્માણ દ્વારા કેવા સેવાકીય કાર્યો થઈ રહ્યા વિષયક વક્તવ્યથી સેવા કાર્ય માટે પ્રેરિત કર્યા હતા.
આજના લોકાર્પણ સમારોહમાં મુખ્ય અતિથિ રૂપે કેન્દ્રીય રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી તેમજ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે શ્રી અશ્વિની વૈષ્ણવજીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સેવાકીય અને લોક કાર્યની પ્રશંસા કરી હતી. શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ સનાતન સંસ્કૃતિના પોષણમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના યોગદાનને બીરદાવ્યું હતું. સાથે સાથે દ્રશ્ય શ્રાવ્યના માધ્યમ દ્વારા ‘મંદિરનું સમાજને પ્રદાન’ વિષયક પ્રસ્તુતિઓ દર્શાવવામાં આવી હતી.
લોકાર્પણ સમારોહના અંતિમ ચરણમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, ‘આ મંદિર બધાનું મંદિર છે, જે-જે અહીં દર્શને આવશે તેમને સુખ શાંતિ પ્રાપ્ત થશે. આજે ભગવાન અહીં બેસી ગયા છે.’
મંદિર લોકાર્પણ સમારોહનો લાભ લેવા માટે જોધપુરનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સમારોહના અંતિમ ચરણમાં ભગવાનને આરતી અર્ધય અર્પણ કરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram