ઝાડેશ્વર ચોકડી નજીક વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો મુદ્દો વારંવાર ચર્ચામાં રહેતો હોય છે.એ જ મુદ્દે આજે એક મોટું પગલું ભરવામાં આવ્યું હતું.ઝાડેશ્વર ચોકડી નજીક આવેલા વિનય કોમ્પ્લેક્સ અને ભાગ્યોદય કોમ્પ્લેક્સ ખાતે થયેલા ગેરકાયદેસર બાંધકામો પર ભરૂચ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓથોરિટી (બોડા) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સવારે જ ટીમે સ્થળ પર પહોંચીને ફેરવી બાંધકામો તોડી પાડ્યા હતા.
આ કાર્યવાહી પહેલાં ભરૂચના આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વારંવાર બૌડા તેમજ જિલ્લા વહીવટી તંત્રને લેખિત રજૂઆતો કરી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટ ધવલ ક્નોજીયાએ જણાવ્યું હતું કે ભાગ્યોદય કોમ્પ્લેક્સ તદ્દન ગેરકાયદેસર રીતે ઉભો કરવામાં આવ્યો હતો.આ મુદ્દે કોર્ટમાં પણ લડત ચાલી હતી.પરંતુ સ્ટે કે પરમિશન કોઈ જ પ્રકારનું ન હોવા છતાં કોમ્પ્લેક્સ ઉભો રહ્યો હતો.હાલ તો બૌડા વિભાગ દ્વારા કોમ્પ્લેક્સની આગળના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
ધવલ કનોજીયાએ વધુમાં કહ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામો સામે એક જ દિવસની કાર્યવાહી પૂરતી નથી.વહીવટી તંત્ર તથા બોડા દ્વારા નિયમિત ચકાસણી કરવામાં આવે,ત્યારે જ આવા દબાણો ફરી ઊભા ન થાય.શહેરભરમાં જે સ્થળોએ દબાણો તોડવામાં આવે છે,તે સ્થળોની વારમાંવાર તપાસ થવી જોઈએ,
જેથી ફરીથી નવા ગેરકાયદેસર દબાણ ઊભા ન થાય.ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી બિનઅધિકૃત બાંધકામો, ગેરકાયદેસર દુકાનો અને કોમ્પ્લેક્સો ઉભા થવાની ફરિયાદો મળતી રહે છે.નાગરિકોના મતે તંત્ર કડકાઈથી નિયમોનો અમલ કરે તો જ શહેરમાં સુવ્યવસ્થિત વિકાસ શક્ય બને.