આસારામના ભકતો સિવિલના તંત્રને ગેરમાર્ગે દોરી તસવીર છૂપાવીને લાવ્યા હતા !

સુરત, નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ સ્ટેમસેલ બિલ્ડીંગના ગેટ પર ટેબલ ઉપર આસારામનો ફોટો રાખી તેની આરતી કરવાના બનાવને પગલે ભારે વિવાદ સર્જાયો છે. એટલું જ નહીં હોસ્પિટલના અધિકારીઓને પણ આ ઘટનામાં જવાબ આપતા ભારે પડી ગઈ છે અને આખો મામલો ચર્ચાનો કેન્દ્ર બનવાની સાથોસાથ ઉપર સુધી પહોંચ્યો છે.
ફ્રૂટ વિતરણ કરવાની આડમાં આસારામના કેટલાક ભકતો ફોટો મૂકી આરતી કરવા લાગ્યા હતા. જો કે, આ મામલામાં વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. એવું જાણવા મળ્યું છે કે આસારામના ભકતો પહેલાંથી જ ઈરાદાપૂર્વક અને હોસ્પિટલના આરએમઓ, સીએમઓ તથા સિકયુરિટી સહિત તમામને ગેરમાર્ગે દોરી અને અંધારામાં રાખી કોઈને ખબર નહીં પડે તેવા પ્લાનિંગ સાથે આસારામની તસ્વીરને પૂઠાંની પેકિંગમાં લઈને આવ્યા હતા.
તસ્વીર પેકિંગમાં હોવાથી શરૂઆતમાં કોઈને કશું જ ખબર નહીં હતી પરંતુ બાદમાં જ્યારે આ તસ્વીર બહાર કાઢી ટેબલ ઉપર મૂકીને આરતી કરવાની શરૂઆત કરવામાં આવી ત્યારે સિકયુરિટી ગાર્ડ દ્રશ્યો જોઈને ચોંકી ગયો અને તાત્કાલિક આ અંગે પોતાના ઉપરીને જાણ કરી હતી.
નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉ.કેતન નાયકે જણાવ્યું હતું કે, ગઈકાલની જે ઘટના છે. એ નિંદનીય છે. જો કે, આ દિશામાં કડક પગલાં લેવામાં આવ્યા છે. આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તે માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ હવે કોઈ પણ સંસ્થા, ગ્રુપ હોય તેને સુપ્રિટેન્ડેન્ટ પાસેથી લેખિતમાં પરવાનગી લેવાની રહેશે. સુપ્રિટેન્ડન્ટની સહી પછી જ વિતરણ કરવાની અનુમતિ આપવામાં આવશે.
આ સિવાય દરેક વોર્ડના યુનિટ હેડ, ઈન્ચાર્જ સિસ્ટર, ક્લિનિકલ વિભાગને સૂચના આપવામાં આવી છે કે, આ રીતના કોઈપણ કાર્યક્રમ અંગે જાણ કરવાની રહેશે. વધુમાં આરએમઓએ એવું પણ જણાવ્યું હતું કે, આસારામની આરતીના કાર્યક્રમ જે લોકોએ ગોઠવ્યું હતું તેઓ આસારામના ભકત છે કે ગ્રુપના છે એ બાબતે અમને કોઈ જાણ નહીં હતી તે લોકોએ ફ્રૂટ વિતરણની પરવાનગી માંગી હતી. જો કે, તેઓ ઈરાદાપૂર્વક આસારામની તસ્વીર વીંટાળીને છૂપાવીને લાવ્યા હતા.
આ અંગે તપાસ કર્યા બાદ ખબર પડી છે. આ સિકયુરિટીની જવાબદારીમાં આવે છે. આ પ્રકરણમાં ઘટનાના સમય જે ગાર્ડ હાજર હતા તેમને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે.
જ્યારે આસારામના ભકતો આવ્યા હતા ત્યારે તેઓ આસારામની તસ્વીર પૂઠાંની પેકિંગમાં લઈને આવ્યા હતા જેથી ત્યારે કઈ ખબર નહીં પડી હતી અને જ્યારે તેઓ આરતી કરવા લાગ્યા હતા ત્યારે તસ્વીરને ઘેરી લીધા હતા જેથી પાછળ જે લોકો હતા તેમને પણ બરાબર કઈ દેખાતું ન હતું. જો કે, અમારા સિકયુરિટી ગાર્ડે જ્યારે ટેબલ ઉપર આસારામની તસ્વીર જોઈ એટલે તાત્કાલિક મને ધ્યાન દોર્યું હતું અને હું ત્યાં પહોંચ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર કાર્યક્રમ બંધ કરાવવામાં આવ્યો હતો.