Western Times News

Gujarati News

હેરિયર ગાડીમાં 7.41 લાખના ડ્રગ્સ લઈને જતો સપ્લાયર ઝડપાયો

ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂ.૭.૪૧ લાખના મુદ્દામાલ સાથે ‘એમડી ડ્રગ્સ’ના સપ્લાયરને ઝડપ્યો

(પ્રતિનિધિ) નડિયાદ, ગુજરાતમાં અસામાજિક તત્વો દ્વારા ફેલાવાતા નશાકારક પદાર્થોના વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત,ખેડા લોકલ ક્રાઈમ બ્રાંચ ટીમે મેફેડ્રોન (એમડી)ના સપ્લાયના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ૨૩ ગ્રામ ૪૫૦ મિલીગ્રામ (કિંમત રૂ૨,૩૪,૫૦૦/-) મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ રૂ. ૭,૪૧,૦૭૦/-ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્‌યો છે.

મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ તરફથી મળેલ સૂચના બાદ, ખેડા પોલીસ ટીમે પીઆઇ કે.આર.વેકરીયાની આગેવાની હેઠળ નશાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોને શોધી કાઢવા માટે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ને અંગત અને ખાનગી બાતમીદારથી ચોક્કસ હકીકત મળી હતી કે, વડોદરાના અશ્વિનભાઈ ઉર્ફે જલો નટુભાઈ ઠક્કર નામનો ઈસમ ચોરીછૂપીથી એમડી ડ્રગ્સની ડિલિવરી કરે છે.

બાતમી મુજબ, આ ઈસમ કાળા કલરની ટાટા હેરિયર ગાડી નંબર જીજે-૦૨-ડીપી૪૯૧૧ માં એમડી ડ્રગ્સ લઈને વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે ઉપરથી નડીયાદ હાઈવે નં. ૮, ડભાણ, પીજ ચોકડી થઈને વડોદરા તરફ જવાનો છે. આ બાતમીના આધારે, ન્ઝ્રમ્ ટીમે પોલીસ સ્ટાફના માણસો અને પંચો સાથે ને.હા.નં. ૮, પીજ ચોકડી બ્રિજ ઉતરતા હાઈવેના સર્વિસ રોડ નજીક વોચ ગોઠવી હતી.

બાતમીમાં જણાવેલ વર્ણનવાળી ગાડી આવતા તેને કોર્ડન કરીને રોકી લેવામાં આવી હતી. પંચો રૂબરૂ ગાડીમાં સવાર ઈસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અશ્વિનકુમાર ઉર્ફે જલો નટવરલાલ ઠક્કર (ઉંમર ૪૮), રહેવાસી ક્રિષ્ણા વેલી ફ્‌લેટ, સમા સાવલી રોડ, વડોદરા હોવાનું જણાવ્યું હતું. તેની અંગ જડતી તપાસ દરમિયાન, તેના પેન્ટના ખિસ્સામાંથી એક પતરાની નાની ડબ્બી મળી આવી હતી.

આ ડબ્બી ખોલતા તેમાંથી એક પ્લાસ્ટિકની સફેદ રંગની પારદર્શક ઝીપ લોકવાળી કોથળી મળી હતી, જેમાં પીળાશ પડતો ભુકા જેવો શંકાસ્પદ નશીલો પદાર્થ ભરેલો હતો. આ પદાર્થનું વજન કરતા તે ૨૪ ગ્રામ ૬૦૦ મિલીગ્રામ જેટલું જણાયું હતું.

પોલીસે આ મેફેડ્રોન ડ્રગ્સની ૨૩ ગ્રામ ૪૫૦ મિલીગ્રામ જથ્થાની કિંમત રૂ.૧૦,૦૦૦/- પ્રતિ ગ્રામ લેખે કુલ રૂ.૨,૩૪,૫૦૦/- આંકી છે. પકડાયેલા આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત ટાટા હેરિયર કાર (કિંમત રૂ.૫,૦૦,૦૦૦/-), એપલ કંપનીનો મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦/-) અને રોકડા રૂ.૧,૫૭૦/- મળીને કુલ રૂ.૭,૪૧,૦૭૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપી અશ્વિનકુમાર ઉર્ફે જલો નટવરલાલ ઠક્કર વિરુદ્ધ નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં મહેન્દ્ર બન્ના, રહેવાસી ડુંગરપુર, રાજસ્થાન નામનો અન્ય એક ઈસમ ભાગેડુ જાહેર થયો છે. પોલીસે ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને આપવાનું હતું તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.