Western Times News

Gujarati News

યુકેમાં ગેરકાયદે કામ કરનારા લોકો પર તવાઈ આવશે, ડિજિટલ આઈડી અપાશે

લંડન, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે યુકેમાં ગેરકાયદે પ્રવાસીઓ દ્વારા કામકાજ સામે કડક કાર્યવાહી હાથ ધરવાની યોજના ઘડી છે. યુકે સરકાર ટૂંક સમયમાં ફરજિયાત નિઃશુલ્ક ડિજિટલ આઈડી યોજના અમલમાં લાવશે. પીએમએ જણાવ્યું કે, જો કોઈ ગેરકાયદે કામ કરનાર પાસે આ દસ્તાવેજ નહીં હોય તો તે યુકેમાં રોજગારી મેળવી શકશે નહીં.

આ યોજના નાગરિકો અને યુકેના કાયદેસરના રહેવાસીઓ બધા માટે જ હશે. આ યોજનાથી સરકારને જરૂરી પેપર દસ્વેજો ચકાસવાની અટપટી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે અને સમય પણ બચશે.વૈશ્વિક સ્તરે આ પ્રકારની સમાન યોજનાનો ઉલ્લેખ કરતા પીએમ કીર સ્ટારમરે ભારતનું ઉદાહરણ આપ્યું હતું.

તેમણે ભારતમાં અમલી આધાર કાર્ડ યોજનાની પ્રશંસા કરી અને ભારત સરકારે આધાર થકી કલ્યાણકારી યોજનામાં થતો ભ્રષ્ટાચાર રોકીને ૧૦ અબજ ડોલર બચાવ્યા હોવાનું જણાવ્યું હતું.

વર્તમાન સંસદના અંત (૨૦૨૯) પહેલા જ કામ કરવાના અધિકાર હેઠળ તમામને ફરજિયાત નિઃશુલ્ક ડિજિટલ આઈડી આપવાની કામગીરી પૂર્ણ કરાશે તેમ લંડન ખાતે ગ્લોબલ પ્રોગ્રેસ એક્સન સમિટમાં બોલતા સ્ટારમરે જણાવ્યું હતું.લોકો આ સેવાને હાલમાં યુકેની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) તથા મોબાઈલ પેમેન્ટ એપની જેમ તેમના સ્માર્ટફોનમાં રાખી શકશે. જો તમારી પાસે ડિજિટલ આઈડી નહીં હોય તો તમે યુકેમાં કામ કરી શકશો નહીં.

સ્ટારમરે વધુમાં ઉમેર્યું કે, અત્યાર સુધી ગેરકાયદે વસવાટ કરનારા લોકો પ્રત્યે સ્પષ્ટ વાત કરવામાં લેબર પાર્ટી સંકોચ અનુભવતી હતી પરંતુ હવે કોઈને છોડાશે નહીં. જીવના જોખમે લોકો યુકેમાં ગેરકાયદે ઘુસતાં હોય છે.

પીએમના મતે આપણાં દેશમાં કોણ રહે છે તે આપણે જાણવું પડશે. જો તેમ નહીં થાય તો સરકાર પ્રત્યે લોકોમાં વિશ્વાસ નબળો પડી શકે છે. આ નવી યોજનામાં સુનિશ્ચિત કરાશે કે, જે લોકો સ્માર્ટફોનનો વપરાશ નથી કરતા તેમને પણ આવરી લેવાશે.

ઓનલાઈન આઈડીથી બોગસ દસ્તાવેજોને આધારે ગેરકાયદે વસતા લોકોને ઠાલા વચનો આપતી ગુનાહિત ટોળકીઓને નાથવામાં મોટી મદદ મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.