છેવટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૪ અબજ ડોલરમાં ટિકટોકનો ખેલ પાડી દીધો

વોશિંગ્ટન, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની કંપનીના લોકપ્રિય શોર્ટ વીડિયો એપ ટિકટોકના અમેરિકી યુનિટના વેચાણ માટે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતાં.
ટિકટોકના અમેરિકી યુનિટનું વેચાણ અમેરિકા અને વૈશ્વિક રોકાણકારોને કરાશે અને તેનું મૂલ્ય આશરે ૧૪ અબજ ડોલર આંકવામાં આવ્યું છે. હવે ડેલ ટેકનોલોજીના સ્થાપક માઇકલ ડેલ અને ફોક્સ કોર્પના ચેરમેન ઇમેરિટસ રુપર્ટ મર્ડાેક તથા ચાર કે પાંચ વર્લ્ડ ક્લાસ રોકાણકારો તેને ખરીદે તેવી ધારણા છે. ટિકટોક અમેરિકા અને ચીન વચ્ચેનો એક લાંબા વિવાદનું કારણ છે.
ટ્રમ્પ ઘણીવાર તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કરી ચુક્યા છે. ટ્રમ્પે આ એપ પરના પ્રતિબંધ મુકતા કાયદાના અમલને ૨૦ જાન્યુઆરી સુધી મોકૂફ રાખ્યો હતો. જોકે આ ડીલના ભાગરુપે ચીની કંપનીએ તેના અમેરિકા યુનિટને અલગ કરીને તેનું વેચાણ કરવું પડશે.
અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વાન્સે ઓવલ ઓફિસ બ્રીફિંગમાં જણાવ્યું કે ચીન તરફથી થોડો પ્રતિકાર થયો હતો, પરંતુ અમે ટિકટોકને કાર્યરત રાખવા માંગતા હતાં, પરંતુ અમે અમેરિકનોના ડેટાની ગોપનીયતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માગતા હતાં.
ટ્રમ્પના આદેશ મુજબ અમેરિકાની કંપનીના ભાગીદારો અલ્ગોરિધમને પર દેખરેખ રાખશે અને અલ્ગોરિધમનું સંચાલન નવા સંયુક્ત સાહસના નિયંત્રણ હેઠળ રહેશે. ટ્રમ્પે દાવો કર્યાે હતો કે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે આ યોજનાઓને મંજૂરી આપવાનો સંકેત આપ્યો છે.
મે પ્રેસિડન્ટ જિનપિંગ સાથે વાતચીત કરી છે. મેં તેમને કહ્યું કે અમે શું કરી રહ્યાં છીએ અને તેમણે કહ્યું કે આગળ વધો. શુક્રવારે ચીનના વિદેશ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યાે હતો કે સરકાર કંપનીની ઇચ્છાને માન આપે છે. અમને આશા છે કે સરકાર અમેરિકામાં રોકાણ કરતી ચીની કંપનીઓને મુક્ત, ન્યાયી અને ભેદભાવરહિત બિઝનેસ વાતાવરણ પૂરું પાડશે.
ટ્રમ્પે ગયા વર્ષે ફરીથી ચૂંટણી જીતવામાં મદદ કરવા બદલ ટિકટોકને શ્રેય આપ્યો છે. અમેરિકામાં આ એપના યુઝર્સની સંખ્યા ૧૭ કરોડ છે. ટ્રમ્પના અંગત ટિકટોક એકાઉન્ટ પર ૧.૫ કરોડ ફોલોઅર્સ છે. વ્હાઇટ હાઉસે પણ ગયા મહિને એક સત્તાવાર ટિકટોક એકાઉન્ટ પણ શરૂ કર્યું હતું.SS1MS