સુરતમાં રત્નકલાકારોની ૪૭૫૯૯ અરજી મંજૂર, ૬૫.૫૦ કરોડ સ્કૂલ ફી ચૂકવાશે

સુરત, હીરા ઉદ્યોગના એકમો અને રત્નકલાકારો માટે ખાસ સહાય પેકેજ-૨૦૨૫ અંતર્ગત સુરતમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સૌથી વધુ ૪૭,૫૯૯ અરજીઓ મળી હતી. જે અરજીઓ પૈકી ૪૭,૫૯૯ અરજીઓ મંજૂર થતાં લ ૫૦,૨૪૧ બાળકોને સ્કૂલ ફી પેટે રૂ.૬૫.૫૦ કરોડની સહાય આપવામાં આવશે.
ડાયમંડ ઉદ્યોગની મંદીમાં અસરગ્રસ્ત રત્નકલાકારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એક વર્ષ માટે શાળાની ફી રાજ્ય સરકાર ચૂકવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિષમ પરિસ્થિતિના કારણે અસરગ્રસ્ત રત્નકલાકારો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.
રત્નકલાકારોના બાળકોને સ્કૂલ ફી પેટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં રૂ.૧૩,૫૦૦ સુધીની સ્કૂલ ફી રાજ્ય સરકારે ચૂકવવાનું નક્કી કર્યું છે તેમજ અસરગ્રસ્ત હીરાના સૂક્ષ્મ એકમોના પુનઃસ્થાપન માટે વ્યાજ સહાય જાહેર કરી છે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર અને સંયુક્ત ઉદ્યોગ કમિશનર જે.બી. દવેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સુરતમાં અસરગ્રસ્ત રત્નકલાકારો બહોળી સંખ્યામાં આ યોજનાનો લાભ લઈ શકે તે હેતુસર જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીની અધ્યક્ષતામાં મળેલી કમિટીએ સ્કૂલો દ્વારા રત્નકલાકારોને સમજ અપાઇ હતી, ઉપરાંત રત્નકલાકારોને સુરત ડાયમંડ એસો.
પાસેથી ભલામણપત્ર મેળવવા જરૂરી હતા. જેથી રત્નકલાકારોએ ડાયમંડ એસો.માં પણ જવાની જરૂર ન રહે તે હેતુસર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ડાયમંડ એસો. પાસેથી ભલામણ પત્રો મેળવવાનું કમિટીએ નક્કી કર્યું હતું.
ઠરાવ મુજબ તારીખ ૩૧-૦૩-૨૦૨૪ બાદ કારખાનામાંથી છુટા થયા હોય અને હાલ હીરા ઉદ્યોગ ક્ષેત્રની રોજગારીથી વંચિત હોય તેવા રત્નકલાકારોના બાળકોને એક વર્ષ માટે ફીના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી માટે મહત્તમ રૂ.૧૩,૫૦૦ની મર્યાદામાં સહાય જાહેર કરાઇ છે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મળેલી કુલ ૭૪,૨૬૮ અરજીઓ ડાયમંડ એસો.ને ભલામણ અર્થે મોકલી આપવામાં આવી હતી. જે પૈકી કુલ ૪૭,૫૯૯ અરજીઓ ભલામણ સહ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પરત મળી હતી.
આમ, કુલ ૪૭૫૯૯ અરજીઓના કુલ ૫૦૨૪૧ બાળકોને સ્કૂલ ફી પેટે રૂ.૬૫.૫૦ કરોડની સહાય રાજ્ય સરકાર ટૂંક સમયમાં ચુકવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌથી વધુ અરજીઓમાં સમગ્ર રાજ્યમાં સુરત પ્રથમ નંબરે જ્યારે બોટાદ બીજા નંબરે હોવાનું જાણવા મળ્યું હતું .SS1MS