મોરબીમાં ખાડાના પાણીમાં ડૂબી જવાથી ૩ માસૂમ બાળકોનાં મોત

મોરબી, મોરબી તાલુકાના પાનેલી રોડ પર આવેલ એક કારખાના નજીક શુક્રવારે બપોરે અત્યંત દુઃખદ ઘટના બની હતી, જેમાં પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ત્રણ માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. આ કરૂણ બનાવથી સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને મૃતક બાળકોના પરપ્રાંતીય પરિવારોમાં શોકની ગહેરી લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના પાનેલી ગામ તરફ જવાના રસ્તા પર આવેલા આરક્રોસ માઇક્રોન કારખાનાની બહારના ભાગમાં પાણીનો એક ખાડો ભરાયેલો હતો. શુક્રવારે બપોરે આશરે ત્રણેક વાગ્યાના અરસામાં ત્રણ નાના બાળકો આ ખાડાની આસપાસ રમી રહ્યા હતા. રમતા રમતા કોઈ અગમ્ય કારણોસર આ ત્રણેય બાળકો પાણીના ખાડામાં ડૂબી ગયા હતા.
મૃત્યુ પામેલા બાળકોમાં બે સગા ભાઈ-બહેન કુલદીપ કૈલાશભાઈ દાવર (ઉં.૬), ખુશ્બુ કૈલાશભાઈ દાવર (ઉં.૪) અને પ્રતિજ્ઞા ભુરાભાઈ જમરા (ઉ.૫) નો સમાવેશ થાય છે.બાળકો ડૂબી જવાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ત્રણેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને તુરંત જ તેમને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા જ્યાં પરિવારજનોએ ભારે રોકકડ અને કલ્પાંત મચાવ્યો હતો. આ માસૂમ બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. લોકોના ટોળો સિવિલ હોસ્પિટલ બહાર ખડકાયા હતા.
આ ગમગીન બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારખાનાની બહાર ભરાયેલા આ જોખમી પાણીના ખાડાને લઈને કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી કે કેમ તે અંગેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.SS1MS