શકરી તળાવ દુર્ઘટનાઃ યુવકોના મોત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર-મૃતકોના મિત્ર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદ, શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં થોડા દિવસ પહેલા હોડી લઇને ગયેલા ચાર પૈકી ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા. આ બનાવને લઇને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જેમાં તપાસ દરમિયાન સામે આવ્યુ કે અહીં દોઢ વર્ષથી સુધારાનું કામ ચાલતુ હતું. તળાવમાંથી કચરો અને લીલ સાફ કરવા માટે એએમસીએ દિનેશ પટેલને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કોન્ટ્રાક્ટરે તળાવ ખાતે સફાઇ માટે સુરક્ષા રાખ્યા વગર હોડી ખુલ્લામાં રાખી હતી. સુરક્ષા વગર રાખેલી હોડી લઇને કોઇ પણ વ્યક્તિ પાણીમાં જવાથી કોઇ ઘટના બની શકે તેમ જાણવા છતાં બેદરકારી દાખવતા પોલીસે કોન્ટ્રાક્ટર અને મૃતકોના મિત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સરખેજ શકરી તળાવમાં ગત તા. ૨ ઓક્ટોબરના રોજ ચાર યુવકો હોડી લઇને ગયા હતા. જેમાં વિશાલ સોલંકી, પ્રદિપ ચાવડા અને જીત ઉર્ફે રાધે પરમાર નામના યુવકો હોડી ઉંધી થઇ જતા ડુબી જવાના કારણે મોતને ભેટ્યા હતા.
સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. ઘટના બાદ પોલીસને બનાવ પહેલાનો એક વિડીયો મળ્યો હતો. જેમાં મૃત્યુ પામેલા ત્રણ યુવકોની સાથે કેશવ ઉર્ફે કાળુ ઉર્ફે રાકેશ ગોહિલ નામનો યુવક પણ સાથે હતો. વિડીયો મુજબ વિશાલ સોલંકી વાંસના લાકડાથી હલેસા મારતો હતો. બાદમાં વિશાલ હોડીના ખુણા પર બેસે છે અને જીત ઉર્ફે રાધે વચ્ચે બેસે છે જ્યારે કેશવ ઉર્ફે કાળુ હોડીની વચ્ચે ઉભો હતો.
જ્યારે પ્રદિપ હોડીના બીજા છેડે બેઠો હતો. આ દરમિયાનમાં કેશવ ઉર્ફે કાળુ બંને હાથ હોડીની એક ધારે અને પગ બીજી ધારે મૂકીને જોરજોરથી ઝુકાવતા હોડી અચાનક એક બાજુ નમી ગઇ અને હોડીમાં પાણી ભરાઇ ગયુ હતું. અચાનક હોડી પાણીમાં ઉંધી વળી જતા ચારેય લોકો તળાવમાં પડ્યા હતા. કેશવ ઉર્ફે કાળુ તરીને બહાર નીકળી ગયો હતો.
જ્યારે ત્રણ લોકોના ડુબી જવાથી મોત નિપજ્યા હતા. પોલીસે વધુ તપાસ કરતા અહીં દોઢ વર્ષથી સુધારાનું કામ ચાલુ હતુ. તળાવમાં બંધિયાર પાણી ભરેલુ રહેતુ હોવાથી એએમસી દ્વારા કચરો અને લીલ કાઢવાનો દિનેશ પટેલ (રહે. ગૌતમનગર સોસા., બહેરામપુરા)ને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
દિનેશે સફાઇ માટે એક હોડી સુરક્ષા રાખ્યા વગર ખુલ્લી જગ્યામાં રાખીને બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યુ હતું. જેથી પોલીસે કોન્ટ્રાક્ટર દિનેશ પટેલ (રહે. ગૌતમનગર સોસા., બહેરામપુરા) અને કેશવ ઉર્ફે કાળુ ઉર્ફે રાકેશ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS