જામીનદારે મામલતદારના સહી-સિક્કાવાળું બોગસ સર્ટિ. રજૂ કર્યું

અમદાવાદ, ઘી કાંટા કોર્ટમાં એક કેસમાં એક જામીનદારે આરોપીના જામીન માટે મામલતદારના સહી-સિક્કાવાળું બનાવટી સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કર્યુ હતું. રજૂ કરેલું સર્ટિફિકેટ તો વર્ષ ૨૦૧૭ બાદથી ઓનલાઇન નીકળતું હોવાથી શંકા ઉપજતા આ મામલે તપાસ કરાઇ હતી. જેમાં જામીનદારે ખોટા સહી-સિક્કાવાળુ સર્ટિફિકેટ રજૂ કર્યુ હોવાનું સામે આવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
કારંજ પોલીસે આરોપી કમરૂદ્દીન અન્સારી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે આ મામલે કેટલાક મળતિયાઓ અને એજન્ટોની પણ સંડોવણી હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.
ઘી કાંટામાં આવેલી ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં કામના ભારણના બહાના હેઠળ જામીનદારોના રજિસ્ટર નહિ નિભાવવાના, ખોટા જામીનદારો રજૂ કરવા, ખોટા સોગંદનામા રજૂ કરવા જેવી અનેક ગંભીર બાબતો ચાલી રહી છે.
સાથે જામીનગીરીની રકમ વસુલાત દરમિયાન જામીનખત દર્શાવવામાં આવેલી મિલકતો જામીનદારના નામે નહી હોવાની ગંભીર બાબતો પણ કોર્ટના ધ્યાને આવી હતી. આ સંદર્ભમાં રાશીદખાન રાનુ ઉર્ફે ફોરમેન ફિરોઝખાનના કેસમાં તેને ૨૦ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ માટે જામીનદાર કમરૂદ્દીન અન્સારી(રહે. વટવા)એ જામીનખત રજૂ કર્યુ હતું.
નિયમ પ્રમાણે ૧૫ હજારથી વધારાની કિંમતના જામીનના કિસ્સામાં સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરવાનું રહે છે. જેથી કમરૂદ્દીન અન્સારીએ સર્કલ સિટી ઓફિસર વટવાની સહી અને સિક્કાવાળું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.
ટ્રાયલમાં આરોપી હાજર થતો ન હોવાથી તેનું ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવાથી માંડીને જામીનદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની હતી, પરંતુ જામીનદાર મળી ન આવ્યો નહોતો. તેણે કોર્ટમાં આપેલા સોલવન્સી સર્ટિ.ની તપાસ કરતા તે ઓનલાઇનના બદલે હાથ બનાવટનું હતું.
જેથી શંકાના આધારે આ મામલે વટવા પોલીસને તપાસની સૂચના અપાઈ હતી. વટવા પોલીસે તે સર્ટિફિકેટ બનાવટી હોવાનો રિપોર્ટ આપ્યો હતો. કોર્ટે ગંભીર નોંધ લઇને કોર્ટના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ મારફતે કાંરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે કમરૂદ્દીન અન્સારી સામે ગુનો નોંધ્યો છે.SS1MS