Western Times News

Gujarati News

ગુજરાત હાઇકોર્ટમાં ‘આર્બિટ્રેશન કાયદા પર ગુજરાત’ વિષય પર મનોમંથન કાર્યક્રમ યોજાયો

હાઇકોર્ટની આ ઐતિહાસિક પરિષદમાં મહાનુભાવો દ્વારા આર્બિટ્રેશન સંબંધિત કાયદાઓ પર ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી

આર્બિટ્રેશન કાયદાના ક્ષેત્રમાં કાર્યરત પ્રતિષ્ઠિત ન્યાયાધીશો અને વરિષ્ઠ વકીલો એકત્ર થયા

Ahmedabad, ભારતમાં વિવાદ નિરાકરણ માટે આર્બિટ્રેશન (મધ્યસ્થી) એક પસંદગીનું માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે, જેને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત બનાવવા માટે ન્યાયપાલિકા અને સંસદ સતત પ્રયત્નશીલ છે.

આ પ્રયાસના ભાગરૂપે, ગુજરાત હાઇકોર્ટે, ગુજરાત રાજ્ય ન્યાયિક અકાદમીના સહયોગથી, 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના રોજ અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે ‘આર્બિટ્રેશન કાયદા પર પરિષદ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ બે દિવસીય પરિષદમાં દેશભરના આર્બિટ્રેશન કાયદાના ક્ષેત્રમાં કાર્યરત પ્રતિષ્ઠિત ન્યાયાધીશો અને વરિષ્ઠ વકીલો એકત્ર થયા હતા. તેમણે આર્બિટ્રેશન સંબંધિત કાયદાઓ પર ઊંડાણપૂર્વકની ચર્ચા કરી અને આધુનિક પડકારોને ધ્યાને રાખી ભવિષ્ય માટેનો માર્ગ તૈયાર કરવા પ્રયત્ન કર્યો હતો.

મુખ્ય અતિથિ વિશેષ, ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શ્રી એન. વી. અંજારિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ, ન્યાયમૂર્તિ એ. વાય. કોગજે, ન્યાયમૂર્તિ એ. એસ. સુપેહિયા અને ન્યાયમૂર્તિ ભાર્ગવ ડી. કારિયા હાજર રહ્યાં હતાં.

મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં આ પરિષદને ગુજરાત રાજ્યમાં આર્બિટ્રેશનની કાયદાકીય પ્રકિયા આગળ વધારવા માટેનું એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાવ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ પરંપરાગત અદાલતોની બહારના વિવાદ નિરાકરણ તંત્રને મજબૂત બનાવવા માટે ગુજરાત હાઇકોર્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ન્યાયમૂર્તિ એન. વી. અંજારિયાએ તેમના ઉદ્ઘાટન પ્રવચનમાં મધ્યસ્થીની ઐતિહાસિક મૂળભૂત કલ્પના સમજાવી અને તેની આવશ્યક લાક્ષણિકતાઓ, સરળતા, નિષ્પક્ષતા, ઝડપી અને સસ્તું નિરાકરણ, નૈતિકતા અને પક્ષોની પસંદગીનો અધિકાર પર ભાર મુક્યો.

આ બે દિવસ દરમિયાન વિવિધ સત્રોમાં આર્બિટ્રેશન કાયદાના મહત્ત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પહેલા દિવસના સત્રમાં પક્ષ સ્વાયત્તતા અને અદાલતોની સહાયક ભૂમિકા અને મધ્યસ્થીઓ સામે પડકાર અને કાયદાકીય સિદ્ધાંત અને સમાનતાનો સિદ્ધાંત ઉપર ચર્ચા કરવામાં આવી હતી. બીજા દિવસના સત્રમાં અંતરિમ ઉપાયો, એન્ટી-સૂટ ઇન્જન્ક્શન, કાયદાકીય મધ્યસ્થી, મંડેટનું સમાપ્ત થવું અને વિકલ્પ મધ્યસ્થી અને એવોર્ડની રચના, ખર્ચ તથા પ્રક્રિયાનું સમાપ્ત થવું, એવોર્ડનો અમલ, અદાલતોની અધિકક્ષેત્રતા અને સમયમર્યાદા વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

આ પરિષદનું સમાપન ભારતના સોલિસિટર જનરલ શ્રી તુષાર મહેતાના ઉદ્બોધન સાથે થયું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતમાં આર્બિટ્રેશન સફળતાને લગતા કોઈ સુવ્યવસ્થિત અભ્યાસ નથી. તેમના મતે, આર્બિટ્રેશન ક્ષેત્રમાં સૌથી મોટો પડકાર છે. ‘આર્બિટ્રેટરની ઈમાનદારી અને પ્રામાણિકતા અંગેનો વિશ્વાસ’માં શ્રી મહેતાએ આશા વ્યક્ત કરી કે, ગુજરાતમાં એક મજબૂત સંસ્થાગત આર્બિટ્રેશન કેન્દ્ર સ્થાપવાની ક્ષમતા છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વાસપાત્ર બની શકે છે.

આ પરિષદે ભારતીય આર્બિટ્રેશન પ્રણાલીને મજબૂત કરવા અને તેના ભાવિ પડકારોનો સામનો કરવા માટે એક મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ન્યાયપાલિકાના ન્યાયાધીશો અને વકીલો ભૌતિક રીતે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઘણા વકીલો YouTube પર સીધા પ્રસારણ દ્વારા ઓનલાઈન જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.