ઉદ્યોગો-કારખાના ઉપરાંત વાહનોના ધુમાડાને કારણે હવામાં ઝેરી રજકણોનું સ્તર વધી રહ્યુ છે

પ્રતિકાત્મક
અમદાવાદ સહિત અન્ય શહેરોમાં હવા અને પાણીનું પ્રદૂષણ વકર્યુ
છેલ્લાં પાંચેક વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ. ૧૨૮૨ કરોડ નાણાકીય સહાય આપી હતી તે પૈકી રૂ. ૯૫૭ કરોડનો ખર્ચ કરાયો હતો. છતાંય પ્રદુષણમાં સુધારો થયો નથી.
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ઔદ્યોગિકીકરણ અને વધતાં જતા વાહનો કારણે પ્રદુષણની સમસ્યા વધુને વધુ ઘેરી બની રહી છે. પર્યાવરણની દુહાઈ દેવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં હવા-પાણીનુ પ્રદુષણ વકર્યુ છે.
લોકસભામાં રજૂ કરાયેલાં રિપોર્ટ મુજબ, છેલ્લાં પાંચેક વર્ષમાં કુલ મળીને રૂ. ૯૫૭ કરોડનો ધુમાડો કરાયો છે છતાં પણ ગુજરાતમાં પ્રદુષણને કાબૂમાં લઈ શકાયુ નથી. પર્યાવરણવિદોએ તો ચિંતા વ્યક્ત કરી છેકે, જો આ પરિસ્થિતીમાં સુધારો નહી આવે તો દિલ્હી-હરિયાણા જેવી દશા થાય તે દિવસો હવે દૂર નથી.
ઔદ્યોગિક વિકાસની આંધળી દોટમાં જાણે પ્રદુષણ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. આજે અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં એર ક્વોલિટી ઈન્ડકેસ વધતો જઇ રહ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે. ઉદ્યોગો-કારખાના ઉપરાંત વાહનોના ધુમાડાને કારણે હવામાં ઝેરી રજકણોનું સ્તર વધી રહ્યુ છે.
આ કારણોસર અમદાવાદમાં વટવા. રખિયાલ, નરોડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં હવાનું પ્રદુષણ ચિંતાજનકહદે રહ્યુ છે. આ વિસ્તારમાં મોડી રાત્રે કેમિકલની એટલી વાસ આવે છે કે લોકોને કેટલીક વાર તો નાક પર કપડું રાખીને બહાર નીકળવું પડે. ચામડીના રોગી વધ્યાં છે. સ્થાનિક લોકો તો હવે જાણે વાયુ પ્રદૂષણથી ટેવાઈ ગયા છે.
વર્ષોથી ચાલતી આ ગંભીર સમસ્યા સામે સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવી રહ્યા નથી. પ્ર દુષણ નિયંત્રણ બોર્ડના વર્ષ ૨૦૨૪-૨૫ના અહેવાલ મુજબ, અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ધ્વનિ પ્રદુષણ વધ્યુ છે જેમકે, અમદાવાદ પૂર્વમાં વધુમાં વધુ ૧૦૩ ડેસિબલ અને અમદાવાદ પશ્ચિમમાં ૮૫.૮૦ ડેસિબલ અવાજનો ઘોંઘાટ રહ્યો છે. આ સ્થિતિ મનુષ્યની શ્રવણશક્તિને ખૂબ નુકસાન પહોંચાડે છે.
આ ઉપરાંત દિવાળીના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં હવામાં પીએમ-૧૦નુ પ્રમાણ ૧૬૫ અને પીએમ ૨.૫ પ્રમાણે ૩૮.૩૩ સુધી પહોંચે છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં તો હવામાં પીએમ-૧૦નુ પ્રમાણ ૧૯૭ અન પીએમ ૨.૫નું પ્રમાણ ૯૪ સુધી પહોંચી જાય છે. આમ, ધ્વનિ-હવાના પ્રદુષણમાં નોંધપાત્ર વધારો થયો છે.
હવાની ગુણવત્તામાં સુધારો થાય તે માટે છેલ્લાં પાંચેક વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ. ૧૨૮૨ કરોડ નાણાકીય સહાય આપી હતી તે પૈકી રૂ. ૯૫૭ કરોડનો ખર્ચ કરાયો હતો. છતાંય પ્રદુષણમાં ઝાઝો સુધારો થઇ શક્્યો નથી. આજે પણ ગુજરાતની નદીઓ પ્રદુષિત છે, ૧૦થી વધુ જીલ્લાઓમાં ભૂગર્ભજળ પીવાલાયક રહ્યું નથી. સ્થિતી દિન-પ્રતિદિન ગંભીર બની રહી છે
તેમ છતાંય ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રદુષણને કાબૂમા લેવામાં સદંતર નિષ્ફળ રહ્યુ છે. મહત્વની વાત તો એ છે કે, રૂ. ૩૨૫ કરોડની ગ્રાન્ટ તો વણવપરાયેલી પડી રહી છે. સરકારે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભલે દાવો કરે કે, ગુજરાતમાં હવા-પાણીના પ્રદુષણમાં સુધારો થયો છે પણ વાસ્તવમાં સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી.