પ્લાસ્ટિક મુક્ત ગુજરાત તરફ નવસારી જિલ્લા R&B વિભાગની મહત્વપૂર્ણ પહેલ

File Photo
નવસારી જિલ્લામાં નડોદ-શિમળગામ માર્ગનું પ્લાસ્ટિક કચરાના પુનઃઉપયોગથી મજબુતીકરણ તથા આધુનિક માર્ગ સુવિધાઓનું નિર્માણ-નવસારી આર એન્ડ બી વિભાગ દ્વારા ઈનોવેટિવ પહેલ હાથ ધરવામાં આવી છે. નવસારી જિલ્લાના નડોદથી શિમળગામને જોડતો મહત્વપૂર્ણ માર્ગ હવે વધુ મજબૂત, ટકાઉ અને પર્યાવરણ મૈત્રી બની ગયો છે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારી દ્વારા કાર્યપાલક ઈજનેરશ્રીના નેતૃત્વ હેઠળ આ માર્ગ પર પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને મજબુતીકરણ કરવામાં આવ્યું છે, સાથે જ માર્ગ પર નવીન રોડ ફર્નિચર સુવિધાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી મનીષ પટેલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં નડોદ-શિમળગામે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારી દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ અને ડામરના ઉપયોગથી રસ્તો બનાવ્યો છે.
આના લીધે રસ્તો ટકાઉ અને મજબુત બને છે અને લાંબા ગાળે આ રસ્તો અન્ય રસ્તાઓ કરતા બનાવવાનો ખર્ચ પણ ઘટે છે. આ પહેલ નવસારી જિલ્લા માટે ગૌરવની બાબત છે , જેનાથી પર્યાવરણ સંરક્ષણ, ખર્ચમાં બચત અને લોકો માટે સલામત ટકાઉ માર્ગ વ્યવસ્થાપન ત્રણેય શક્ય બને છે. આ પહેલ અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
આ યોજનાનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ સાથે ટેકસાળ માર્ગ વ્યવસ્થાની રચના કરવાનો છે. પરંપરાગત રીતે વપરાતા ડામર સાથે મિશ્રિત પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને તૈયાર કરેલી આ માર્ગ સપાટી વધુ મજબૂત છે, લાંબો સમય ચાલે છે અને જળસ્રાવ તથા ગરમી સામે વધારે રેઝિસ્ટન્ટ છે. માર્ગની બંને બાજુઓ પર રિફલેક્ટિવ સાઈનબોર્ડ્સ, માર્ગદર્શક ફલકો, સ્પીડ બ્રેકર, થર્મોપ્લાસ્ટ પટ્ટા, સેન્ટ્રલ લાઈન વગેરે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.