રાહુલે લદ્દાખમાં હિંસાનો આક્ષેપ ભાજપ અને આરએસએસ પર મૂક્યો

નવી દિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લદ્દાખના પાટનગર લેહમાં હિંસક વિરોધ મુદ્દે ટિપ્પણી કરી છે. લદ્દાખને અલગ રાજ્યની માગ સાથે ગત સપ્તાહે થયેલા દેખાવો અને હિંસામાં ચાર યુવાનોના મોત થયા હતા.
કોંગ્રેસના સાંસદે લદ્દાખના લોકો અને તેની સંસ્કૃતિ પર ભાજપ અને તેની પૈતૃક સંસ્થા આરએસએસ પ્રહાર સાથે આક્ષેપ કર્યાે હતો. લદ્દાખે અવાજ ઉઠાવ્યો હતો પરંતુ ભાજપે ચાર યુવાનોના મોત નિપજાવીને તથા સોનમ વાંગચુકને જેલમાં ધકેલીને તેનો વળતો જવાબ આપ્યો હોવાનું લોકસભામાં વિપક્ષના નેતાએ એક્સ પોસ્ટમાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું. લોકની હત્યા બંધ કરો. હિંસા બંધ કરો. ધાકધમકીઓ બંધ કરો. લદ્દાખને અવાજ આપો અને તેમને છઠ્ઠી અનુસૂચી આપો.
બંધારણની છઠ્ઠી અનુસૂચી આદિવાસી વિસ્તારોને વિશેષ અધિકારો તેમજ સત્તાઓ આપે છે, જે હાલમાં કેટલાક પૂર્વાેત્તરના રાજ્યોમાં અમલમાં છે.
૨૪ સપ્ટેમ્બરે લદ્દાખમાં યુવાનો દ્વારા હિંસક વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસના ગોળીબારમાં ચાર યુવાનોના મોત થયા હતા. ત્યારબાદ પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની ગત શુક્રવારે ધરપકડ કરી તેને રાજસ્થાનની જોધપુર જેલમાં ધકેલી દેવાયો હતો. વાંગચુક સહિત ૫૦ લોકો પર કથિત રીતે હિંસામાં સામેલ થવા બદલ ધરપકડ કરાઈ હતી.
સોનમ વાંગચુક સહિત કેટલાક લોકો લદ્દાખને પૂર્ણ રાજ્યની માગ સાથે ૧૫ દિવસથી ભૂખહડતાળ પર બેઠા હતા. વાંગચુકે લદ્દાખમાં હિંસાની નિંદા કરતા ભૂખ હડતાળનો અંત આણ્યો હતો.
૨૦૧૮માં અગાઉનાજમ્મુ-કાશ્મીર રાજ્યના વિભાજન દ્વારા બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર જે પ્રદેશમાં શાસન કરી રહી છે તેના મતે વાંગચુકે નેપાળ તથા બાંગ્લાદેશમાં જેન ઝેડ દ્વારા હિંસાનો ભાષણમાં ઉલ્લેખ કરીને હિંસા ભડકાવી હતી.
સોનમ વાંગચુકની પત્નીએ રવિવારે જણાવ્યું કે, લોકો શાંતિપૂર્ણ રીતે દેખાવો કરી રહ્યા હતા ત્યારે અર્ધલશ્કરી દળોએ ટીયર ગેસ છોડતાં હિંસા ભડકી હતી.SS1MS