Western Times News

Gujarati News

થાણે અને પાલઘરને વરસાદે ઘમરોળી નાખ્યુંઃ એકનું મોત

થાણે, મુંબઈને અડીને આવેલા થાણે અને પાલઘર જિલ્લામાં રવિવારે થયેલા મુશળધાર વરસાદને પગલે ઠેકઠેકાણે પાણી ભરાઈ જવાની સાથે જ ઝાડ અને દીવાલ તૂટી પડવાના બનાવ નોંધાયા હતા. ભારે વરસાદને પગલે જિલ્લામાં બંધ પણ છલકાઈ ગયા હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. તો પાલઘર જિલ્લામાં વીજળી પડવાથી છ લોકો જખમી થયા હતા.

હવામાન વિભાગે થાણે અને પાલઘર જિલ્લા માટે રવિવારના રેડ એલર્ટની ચેતવણી આપી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. તે મુજબ આખો દિવસ વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે સોમવારે માટે ઓરેન્જ અલર્ટ આપીને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.થાણે જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ થાણે જિલ્લાના બદલાપુરમાં આવેલી ઉલ્હાસ નદીમાં તરવા માટે બે યુવકો ગયા હતા, જેમાંથી એક ભારે વરસાદને પગલે નદીમાં તણાઈ ગયો હતો.

ફાયરબ્રિગેડને આ બનાવની લગભગ છ કલાક બાદ જાણ થઈ હતી. આ દરમ્યાન ડૂબી ગયેલો યુવક પાણીમાં દૂર સુધી તણાઈ ગયો હતો. છતાં તેને શોધવાની જહેમત ચાલુ રાખવામાં આવી હતી.આ દરમ્યાન થાણેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧૦૦ મિલીમીટર કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો. રેડ અલર્ટની ચેતવણી હોવાથી થાણે સહિત પાલઘર જિલ્લામાં પ્રશાસન સતર્ક રહ્યું હતું.

તેમ જ નાગરિકોને આવશ્યકતા ન હોય તો ઘરમાં જ રહેવાની અપીલ પણ કરવામાં આવી હતી.થાણે પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી યાસીન તડવીએ જણાવ્યું હતું કે શનિવારથી ચાલુ થયેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.

ભારે પવન ફૂંકાવાને કારણે અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાના બનાવ નોંધાયા હતા. રવિવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીમાં થાણે શહેરમાં ૧૧૫.૭૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

પાલઘર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે ૨૭ સપ્ટેમ્બરના રાતથી જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની સાથે જ જોશભેર વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં આવેલો મહત્ત્વનો મોડક સાગર બંધ છલકાઈ ગયો છે અને તેમાંથી ૬૨,૨૬૭ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.