વિસનગર સબજેલ આગળથી કેદી પોલીસને ધક્કો મારી ભાગી છૂટ્યો

મહેસાણા, વિસનગર સબ જેલમાં સજા ભોગવી રહેલો કેદી શનિવારે બિમાર થઈ જતાં તેને સારવાર માટે વિસનગર શહેર પોલીસ સ્ટેશનના કર્મીઓ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં ડોક્ટરે તપાસ કર્યા બાદ દવા લખી આપતાં તે લઈ કેદીને પરત સબજેલ ખાતે લાવ્યા હતા. સબજેલ આગળ પીસીઆર વાન ઉભી રાખી કેદીને નીચે ઉતાર્યાે ત્યારે અચાનક પોલીસકર્મીને ધક્કો મારી કેદી ભાગી છૂટ્યો હતો.
પોલીસ પણ તેની પાછળ દોડી હતી પરંતુ સંધ્યાકાળનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો. આ અંગે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. શહેર પોલીસ મથકે એલઆરડી તરીકે ફરજ બજાવતા અશ્વિનસિંહ તખતસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ, વિસનગર સબજેલથી વર્ધી લખાવાઈ હતી કે, એક આરોપી બિમાર હોઈ તેને સારવાર માટે લઈ જવાનો છે.
આથી તેઓ પીસીઆર વાનમાં વિસનગર સબજેલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સબજેલના જેલર ઠાકોર સોનાજી વાઘાજીએ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલા ઇ.પી.કો. કલમ ૪૨૦,૫૦૬(૨) અને ૧૨૦ બી મુજબના ગુનાનો આરોપી ચાવડા વિશાલસિંહ કિરીટસિંહ (ઉં.વ. ૨૩, રહે. કડા. તા. વિસનગર)ને સોંપ્યો હતો.
બિમાર આરોપીને સારવાર માટે અશ્વિનસિંહ સહિતના પીસીઆર વાનમાં વિસનગર સિવિલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તપાસ કર્યા બાદ દવા લખી આપતાં તે દવા લઈને આરોપીને વિસનગર સબજેલમાં પરત મૂકવા નીકળ્યા હતા. સાંજે ૬.૫૫ કલાકે સબજેલ આગળ પહોંચી પીસીઆર વાન સબજેલ આગળ ઉભી રાખી આરોપીનો હાથ પકડી નીચે ઉતારતા હતા.
આ દરમિયાન આરોપીએ ધક્કો મારતાં પોલીસકર્મી નીચે પડી ગયો હતો અને દોડીને ભાગી ગયો હતો. તેની પાછળ પોલીસે દોટ લગાવી હતી પરંતુ આરોપી ગલીઓમાં થઈ ભાગી છૂટ્યો હતો. તેની શોધખોળ કરવા છતાં મળી આવ્યો નહોતો.
આથી વિસનગર શહેર પોલીસ મથકે આરોપી વિશાલસિંહ કિરીટસિંહ ચાવડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૬૨ મુજબ ફરિયાદ નોંધાવી હતી.SS1MS