પહેલાંની અદાવતમાં ગાંધીનગરમાં ટોળાએ ઘાતક હથિયારોથી હુમલો કર્યો

ગાંધીનગર, પાટનગરમાં અસામાજિક તત્ત્વોની વધી રહેલી હિંમત પોલીસ માટે પડકારરૂપ બની છે. નજીવી બાબતે જાહેરમાં મારા-મારી કરી ગભરાટ ફેલાવનારા તત્વોએ ગાંધીનગરના પોશ વિસ્તાર ગણાતા કુડાસણમાં હિંસક હથિયારો સાથે રીતસરનો આતંક મચાવ્યો હતો.
કચ્છના નખત્રાણામાં દોઢ વર્ષ પહેલાં થયેલા ઝઘડાની અદાવતમાં ટોળાએ હિંસક હુમલો કરતા એક શખ્સ ગંભીર ઘાયલ થયો હતો, જ્યારે અન્યોને નાની-મોટી ઈજા થઈ હતી. કુડાસણમાં રિલાયન્સ ચોકડી નજીક શ્રી દેવ ફરાળી દુકાનમાં રહેતા મનીપસિંગ માખનસિંગ રાવત દોઢ વર્ષ પહેલાં કચ્છના નખત્રાણામાં રહેતા હતા ત્યારે કામ બાબતે મિત્ર દેવેન્દ્રસિંગ રાવત સાથે ઝઘડો થયો હતો.
ત્યારબાદ મનીપસિંગે નોકરી છોડી દીધી હતી અને સપ્ટેમ્બરથી શ્રી દેવ ફરાળીની દુકાનમાં નોકરી કરતા હતા. શનિવારે રાત્રે દેવેન્દ્રસિંગ મિત્રો શિવસિંગ અને નરપતસિંગ સાથે આ દુકાને ગયા હતા અને મનીપસિંગને વાતચીત માટે બોલાવ્યો હતો. મનીપસિંગ શેઠ પંકજ પ્રજાપતિ તથા અન્ય ત્રણ મિત્રો સાથે અર્બનિયા હોટલ નજીક મળવા ગયો હતો.
તેમને જોતાની સાથે જ દેવેન્દ્રસિંગ તથા તેની સાથેના આઠેક લોકોએ લોખંડની પાઈપ, છરી, દંડા જેવા હથિયારોથી હુમલો કર્યાે હતો. મનીપસિંગને બચાવવા વચ્ચે પડેલા સુરેશ વણઝારાને દેવેન્દ્રસિંગે માથામાં પાઈપ મારી દીધી હતી. ધીરજસિંગે સુરેશને પીઠ પર છરીના ઘા માર્યા હતા.
ઓચિંતી મારામારીના પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ભીડ ભેગી થવા માંડતા હુમલાખોર દેવેન્દ્રસિંગ અને તેના સાગરિતો જતા રહ્યા હતા. જતા-જતાં તેમણે મનીપસિંગને ગુજરાત છોડી દેવા ધમકી આપી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા સુરેશને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. ઈન્ફોસિટી પોલીસે હુમલાખોરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS