એશિયા કપ ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને આપશે સુર્ય કુમાર યાદવ

BCCI એ સમગ્ર ટીમ માટે રૂા.૨૧ કરોડના રોકડ ઇનામની જાહેરાત કરી છે. BCCI સચિવ જય શાહે કહ્યું કે, અમે ટીમના શાનદાર પ્રદર્શન પર ગર્વ કરીએ છીએ. ત્રણેય મેચ એકતરફી રહી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ૨૦૨૫ના એશિયા કપમાં વિજય મેળવી ઇતિહાસ સર્જી દીધો છે. આ રોમાંચક ફાઈનલમાં ભારતે પોતાના પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને હરાવ્યું અને નવો ઈતિહાસ રચ્યો. આ જીત સાથે ભારતે નવમી વખત એશિયા કપ જીતીને સૌથી સફળ ટીમ તરીકે પોતાનું સ્થાન પાક્કું કર્યું છે.
પરંતુ આ જીતમાં એટલું જ અનોખું ઘડાયું કે, જીત બાદ પણ ભારતીય ટીમે એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે ટ્રોફી આપનારા હતા પાકિસ્તાનના ગૃહમંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસીન નકવી. આ તરફ સુર્યકુમાર યાદવે એક મોટી જાહેરાત પણ કરી નાખી. ક્રિકેટ મેદાનમાં જીત પછી સૂર્યકુમાર યાદવે વધુ એક ઉદાર ઉદાહરણ આપ્યું.
તેમણે જાહેરાત કરી કે તેઓ પોતાની આખી એશિયા કપ ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને આપશે. સુર્ય કુમાર યાદવે કહ્યું કે, હું આ જીત ભારતીય જવાનોને સમર્પિત કરું છું. સરહદે જે રીતે તેઓ દેશ માટે લડી રહ્યાં છે, એ અવિસ્મરણીય છે. મને ખુશી છે કે હું મારી રીતે થોડું યોગદાન આપી શકું છું. આ નિર્ણય ભારતભરમાં પ્રશંસાનો વિષય બન્યો છે.
ભારતીય કેપ્ટને અગાઉ એશિયા કપની પહેલી મેચ જીત્યા બાદ પોતાની મેચ ફી સેના અને પહેલગામ હુમલામાં શહીદ થયેલા લોકોના પરિવારોને સમર્પિત કરી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, હું આ ટુર્નામેન્ટમાં રમાયેલી બધી મેચો માટે મારી મેચ ફી ભારતીય સેનાને દાનમાં આપવા માંગુ છું. જોકે મેચ પછીના પુરસ્કાર સમારોહમાં ભારતે તેમના મેડલ અને ટ્રોફી સ્વીકારી ન હતી જેનાથી દર્શકો અને ખેલાડીઓ બંને નિરાશ થયા હતા.
પાકિસ્તાન તરફથી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવી ભારતીય ટીમને ટ્રોફી રજૂ કરવાના હતા પરંતુ ભારતીય ખેલાડીઓએ તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આખી ભારતીય ટીમે ટ્રોફી વિના મેદાનમાં ઉજવણી કરી. ભારતીય ટીમે એશિયા કપ ૨૦૨૫ ની પોતાની પહેલી મેચ ૧૪ સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમી હતી. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ જીતી લીધી.
મેચ પછીની પ્રેઝન્ટેશનનો ભાગ રહેલા સૂર્યકુમાર યાદવે આ જીત ભારતીય સેના અને પહેલગામ હુમલાના પીડિતોને સમર્પિત કરી. હવે ફાઇનલ પછી સૂર્યાએ ભારતીય સેના અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતની વિજયગાથાને વધાવતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સમગ્ર ટીમ માટે રૂા.૨૧ કરોડના રોકડ ઇનામની જાહેરાત કરી છે. BCCI સચિવ જય શાહે કહ્યું કે, અમે ટીમના શાનદાર પ્રદર્શન પર ગર્વ કરીએ છીએ. ત્રણેય મેચ એકતરફી રહી.
ખાસ કરીને પાકિસ્તાન સામેની જીત હંમેશાં ખાસ હોય છે. આ પુરસ્કાર ટીમના દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને સમર્પિત છે. ભારત એશિયા કપનો સૌથી સફળ ચેમ્પિયન છે. અત્યારસુધી ભારતે ૯ વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. વિજેતાપદનાં વર્ષોઃ ૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૦-૯૧, ૧૯૯૫, ૨૦૧૦, ૨૦૧૬, ૨૦૧૮, ૨૦૨૩ અને હવે ૨૦૨૫. વિજય બાદ ભારતીય વ્૨૦ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કહ્યું કે આખી ટીમે ટ્રોફી ન સ્વીકારવાનો ઐક્યમતથી નિર્ણય કર્યો હતો.