મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના પીએમ મોદીએ લખી

નવી દિલ્હી, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથા ‘આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ’ની પ્રસ્તાવના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખી છે.
વડાપ્રધાન મોદીએ લખ્યું છે કે, આ આત્મકથા તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’થી પ્રેરિત છે, પરંતુ તેમાં તેમના(મેલોની) મનની વાત છે.આ સાથે પીએમ મોદીએ ઉમેર્યું છે કે પ્રસ્તાવના લખવી તેમના માટે ખૂબ મોટા સન્માનની વાત છે અને મેં મેલોની પ્રત્યે ‘સન્માન, પ્રશંસા અને મિત્રતા’ની સાથે પ્રસ્તાવના લખી છે.
મોદીએ આ પુસ્તકની પ્રસ્તાવનામાં પોતાના સમકક્ષ વડા(મેલોની)ને એક દેશભક્ત અને ઉત્કૃષ્ટ સમકાલીન નેતા ગણાવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની ભારતીય આવૃત્તિ જલદી પ્રકાશિત થવાની છે.
આ આત્મકથા રૂપા પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત થશે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં પીએમ મોદીએ એ વાતનો પણ ઉલ્લેખ કરીને યાદ કરાવ્યું કે કેવી રીતે છેલ્લા ૧૧ વર્ષાેમાં તેમણે વિશ્વના અનેક નેતાઓની સાથે વાતચીત કરી છે, જેમાં દરેકના જીવનની યાત્રા અલગ-અલગ રહી છે, કેવી રીતે તેમની યાત્રાઓ વ્યક્તિગત વાર્તાથી આગળ વધીને કોઈ મોટી વાતને રજૂ કરે છે.
આ આત્મકથાની પ્રસ્તાવનામાં પીએમ મોદીએ એમ પણ લખ્યું છે કે, વડાપ્રધાન મેલોનીના જીવન અને નેતૃત્વમાં આપણને એ શાશ્વત સત્યોની યાદ અપાવે છે… ભારતમાં મેલોનીને એક ઉત્કૃષ્ટ સમકાલીન રાજકીય નેતા અને દેશભકતની તાજી કથાના રૂપમાં યાદ કરાશે. દુનિયાની સાથે સમાન સ્તર પર જોડાઈને પોતાના સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ કરવામાં તેમનો વિશ્વાસ આપણા મૂલ્યોને દર્શાવે છે.
પ્રસ્તાવનામાં પીએમ મોદી અનેક જગ્યાએ મેલોનીના વખાણ કરે છે અને કહે છે કે કેવી રીતે તેમની પ્રેરણાદાયક અને ઐતિહાસિક યાત્રા ભારતીયોના હૃદયમાં ઉતરી છે. મોદીએ આશાવાદ વ્યક્ત કર્યાે છે કે આ પુસ્તક ચોક્કસપણે ભારતીય વાચકોને પ્રભાવિત કરશે.
આ આત્મકથાની મૂળ આવૃત્તિ ૨૦૨૧માં પ્રકાશિત થઈ હતી, એક વર્ષ પછી એ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. આ પહેલા જૂન ૨૦૨૫માં આ આત્મકથાની અમેરિકાની આવૃત્તિ પ્રકાશિત થઈ હતી, અને તેની પ્રસ્તાવના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે લખી છે. મેલોનીએ પોતાની આત્મકથામાં મહિલાઓને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ પણ કર્યાે છે.
મેલોની પોતાના ઉલ્લેખ કરીને કહે છે કે હું મારા ચૂંટણી ભાષણમાં કહેતી કે, હું જ્યોર્જિયા છું, હું એક મહિલા છું, હં ઇટાલિયન છું, હું ખ્રિસ્તી છું. તમે આ મારાથી છીનવી શકશો નહીં. આ તેમનો પ્રિય નારો હતો.SS1MS