વેરાવળ શાપરમાં કૂતરાએ ફાડી ખાતા પાંચ વર્ષની બાળકીનું મોત

રાજકોટ, રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ચાર દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી પોતાના દાદાના ઘરે રોકાવા આવેલી પાંચ વર્ષની બાળકીને કૂતરાએ ફાડી ખાતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
શાપર વેરાવળમાં ભૂમિ ગેટ નજીક ગોલ્ડન સ્ટાર કંપની પાસે સવારે વિરલબેન અંબુભાઈ વીણામા (ઉં.૫) નામની બાળા ઘર નજીક રમી રહી હતી.
આ સમયે અચાનક એક કૂતરો ધસી આવ્યો અને બાળકી પર હુમલો કર્યાે. કૂતરાએ બાળકીને નીચે પાડી દઈ તેના ગળાના ભાગે બટકું ભરી લીધું હતું.બાળકીના દેકારાથી લોકો ભેગા થતાં કૂતરો ભાગી ગયો હતો. કૂતરાના હુમલાથી વિરલબેન લોહીલુહાણ થઈ જતાં તેણીને તાત્કાલિક શાપર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાનું કહેવામાં આવતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી, પરંતુ અહીં તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં અને શાપરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મૃત્યુ પામનાર વિરલબેન હજુ ચાર દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી શાપર વેરાવળ રહેતા તેના દાદા મુકેશભાઈ ભૂરાભાઈના ઘરે રોકાવા આવી હતી. સવારે ઘર નજીક રમતી હતી ત્યારે આ કરુણ બનાવ બન્યો હતો.
વધુમાં જાણવા મળ્યા મુજબ, જે કારખાના પાસે બનાવ બન્યો ત્યાં દરરોજ કૂતરા રોટલી ખાવા આવતા હતા. રમી રહેલી બાળકી પર રોટલી ખાવા આવતા કૂતરાઓ પૈકીના એક કૂતરાએ જ હુમલો કરી બટકું ભરી લીધું હતું.SS1MS