વિદ્યાર્થીને કચડનાર આઇસર ચાલક સગીર નીકળ્યો, બનેવી સામે કાર્યવાહી

અમદાવાદ, વટવા કેનાલ પાસે થોડા દિવસ પહેલાં અકસ્માત સર્જાયો હતો. જેમાં વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માત કરનાર આઇસર ચાલકની તપાસ કરતા તે સગીર હોવાનું સામે આવ્યું હતું. જેથી સગીરને વાહન આપવું ગુનો બનતો હોવાથી પોલીસે આઇસર આપનારની તપાસ કરતા સગીરના બનેવીએ જ વાહન આપ્યું હોવાનો ખુલાસો થયો હતો.
કે ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીરના બનેવી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાથીજણમાં રહેતો ૧૯ વર્ષીય પ્રિયેશ વ્યાસ ગોતાની સિલ્વર ઓક યુનિ.માં અભ્યાસ કરતો હતો. ગત તા.૧૧મીએ પ્રિયેશ તેના મિત્ર હર્ષ સાથે ટુવ્હીલર પર જઇ રહ્યો હતો.
ત્યારે વટવા કેનાલ પાસે આઇસરના ચાલકે ટક્કર મારતા બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રિયેશનું મોત થયું હતું. પોલીસે આઇસરના ચાલકની તપાસ કરતા તે સગીર હોવાનું ખૂલ્યું હતું. પોલીસ તપાસમાં સગીરને તેના બનેવી નીરજ ગુર્જરે બે માસથી આઇસર ટ્રક આપી હોવાનું જણાઈ આવ્યું હતું.
કે ડિવિઝન ટ્રાફિક પોલીસે નીરજ ગુર્જર સામે સગીરને વાહન ચલાવવા આપવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ખોખરા સેવન્થ ડે સ્કૂલ પાસેથી ૪૫ વર્ષીય યુવક રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા વાહનચાલકે તેને અડફેટે લેતા તે રોડ પર પટકાયો હતો.
દસેક દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં યુવકને સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS