ભરણપોષણ ન ચૂકવનારા પતિને ૫૪૦ દિવસ જેલની સજાને હાઇકોર્ટની બહાલી

અમદાવાદ, પત્ની અને બે સગીર સંતાનોને મહિને ૭૫ હજારનું ભરણ પોષણ ૫૪ મહિના સુધી નહીં ચૂકવનારા પતિને ૫૪૦ દિવસ જેલની સજાનો હુકમ હાઈકોર્ટે બહાલ રાખ્યો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે એક વ્યક્તિને પોતાની પત્ની અને બાળકોના મળીને મહિનાના ૭૫ હજાર રૂપિયા ભરણ પોષણ ચૂકવવા હુકમ કર્યાે હતો. જે પતિએ ૫૪ મહિના સુધી ન ચૂકવતા ગ્રામ્ય કોર્ટમાં પત્નીએ અરજી દાખલ કરી હતી.
આથી ગ્રામ્ય કોર્ટે એક મહિનાના ૧૦ દિવસની જેલ લેખે પતિને ૫૪૦ દિવસ સાદી જેલની સજા ફટકારી હતી. જેની સામે પતિ અપીલમાં હાઇકોર્ટ ગયો હતો. પરંતુ હાઇકોર્ટે પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવીને પતિની અપીલ રદ કરી હતી.
પતિએ ઓગસ્ટ ૨૦૧૫થી જુલાઈ ૨૦૨૨ સુધી ૮૫ મહિનાના ૫૬.૧૯ લાખ રૂપિયા ભરણપોષણના ચૂકવવાના હતા. ઉપરાંત માનસિક ત્રાસના વળતર પેટે ૭૫ હજાર રૂપિયા ચૂકવવાના હતા. આમ તેને કુલ ૫૬.૯૪ લાખ રૂપિયા પત્ની અને બાળકોને ચૂકવવાના હતા.
પછી ટુકડે ટુકડે અમુક રકમ ભરી હતી. જ્યારે બાકીના ૪૦.૭૨ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા. જેની સામે કોર્ટે રિકવરી વોરંટ કાઢતા પોલીસે પતિને પકડીને કોર્ટમાં હાજર કર્યાે હતો. જ્યાં તેને જણાવ્યું હતું કે તેની પાસે પૈસા નથી. પત્ની પતિના માલિકીના ૮૦ લાખના મકાનમાં જ રહે છે.
પતિ-પત્નીના લગ્ન ૨૦૦૮માં જોધપુર રાજસ્થાનમાં થયા હતા. પત્નીએ પોતાના બે બાળકો સાથે ભરણપોષણ માગતા કોર્ટે પહેલા માસિક ૬૦૦૦ રૂપિયા પત્નીના અને ૩૦૦૦ રૂપિયા બાળકોના એમ કુલ ૯૦૦૦ રૂપિયા ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યાે હતો અને માનસિક ખર્ચના ૨૫,૦૦૦ રૂપિયા આપવા હુકમ કર્યાે હતો.
જેની સામે પત્નીએ અપીલ કરતા કોર્ટે તેને પોતાના ભરણપોષણના કુલ મહિને ૭૫ હજાર રૂપિયા ચૂકવવા અને એક લાખ માનસિક ત્રાસના ચૂકવવા હુકમ કર્યાે હતો.
પતિએ કહ્યું હતું કે ઇનકમટેક્સ રિટર્ન મુજબ તે મહિને માત્ર ૧૫ હજાર રૂપિયા કમાય છે. તે પહેલા ડોલરમાં કમાતો હતો. જે મહિને ત્રણ લાખ રૂપિયા થતા હતા. તેણે એન્જિનિયરિંગ કર્યું છે પરંતુ હવે એ ખાસ કમાતો નથી. પત્ની જજીસ બંગલા રોડ ઉપર રહે છે. પતિની બહેન અમેરિકા રહેતી હોવાથી પત્નીને પણ અમેરિકા રહેવા જવું હતું.SS1MS