રાહત દરે ગ્રામીણ વિસ્તારના લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા બદલ ટ્રસ્ટી મંડળને રાજ્યપાલે અભિનંદન પાઠવ્યા

*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લાઠી ખાતેના સંતોકબા મેડિકલ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું*
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન લાઠી ખાતે રાહત દરે આરોગ્ય સેવાઓ પૂરી પાડતાં સુવિધાસભર સંતોકબા મેડિકલ સેન્ટરની મુલાકાત લઈને તેમના દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન લેબોરેટરી, એક્સ રે, ઓ.પી. ડી. રૂમ, ફિઝિયોથેરાપી સહિતના વિભાગની આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ વિગતો જાણી હતી, સાથે જ દર્દીઓ અને તબીબી સ્ટાફના પ્રતિભાવો મેળવી, તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યપાલશ્રીએ પ્રસાદ સેવા પૂરી પાડતાં રસોડા વિભાગના કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરીને તેમના સેવાકીય કાર્યને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રાજ્યપાલશ્રીને સંતોકબા લાલજી દાદા ધોળકિયા વેલ્ફેર ટ્રસ્ટના મોભી શ્રી રાકેશભાઈ ધોળકિયાએ આ આરોગ્યની કેન્દ્રની સેવાઓથી અવગત કર્યા હતા. વધુમાં રાજ્યપાલશ્રીએ રાહત દરે ગ્રામીણ વિસ્તારના લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા બદલ ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, પદ્મ શ્રી સવજીભાઈ ધોળકિયા, પ્રાંત અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ, ટ્રસ્ટી સર્વ શ્રી ભાવેશભાઈ લાઠીયા, ઘનશ્યામભાઈ શંકર, કારોબારી સમિતિના સભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.