Western Times News

Gujarati News

યુવા ઉત્સવ : ૨૦૨૫-૨૬ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૫

AI Image

અમદાવાદમાં શહેર અને જિલ્લામાંયુવા ઉત્સવ ૨૦૨૫૨૬યોજાશે

રમત ગમત યુવાઅને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી અમદાવાદ દ્વારા  તાલુકા કક્ષા/વોર્ડ કક્ષાએ ‘યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬’નું આગામી સમયમાં આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા ઉત્સવમાં ભાગ લેવા માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ રાખવામાં આવી છે.

આ યુવા ઉત્સવમાં અમદાવાદ શહેર તથા  અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથ ધરાવતાં યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી ૨૦ વર્ષ સુધીના વયજૂથ (૦૧/૦૯ /૨૦૦૫ થી ૩૧/૦૮/૨૦૧૦ વચ્ચે જન્મેલા) વિભાગ “અ”, ૨૦ વર્ષથી ૨૯ વર્ષ સુધીના વયજૂથ (૦૧/૦૯/૧૯૯૬ થી ૩૧/૦૮/૨૦૦૫ વચ્ચે જન્મેલા) વિભાગ – બ તથા ૧૫ વર્ષથી ૨૯ વર્ષ સુધીના વયજૂથ (૦૧/૦૯/૧૯૯૬ થી ૩૧/૦૮/૨૦૧૦ વચ્ચે જન્મેલા)વિભાગ “ખુલ્લા” પ્રમાણે ભાગ લઇ શકશે.

આ યુવા ઉત્સવમાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય, હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ્ય સંગીત, ભરતનાટ્યમ, તથા કથ્થક આમ કુલ ૯ સ્પર્ધાઓ “અ” તથા “બ” બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા છંદ ચોપાઇ, લગ્નગીત, આમ કુલ ૫ સ્પર્ધાઓ માત્ર “બ” વિભાગ માટે યોજાશે.

આ ઉપરાંત લોક વાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમુહગીત, લોકનૃત્ય, લોક્ગીત, કર્ણાટકી શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સિતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગિટાર, મણિપુરી, ઓડિસી, કુચિપુડી, એકાંકી, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા એમ ૧૯ સ્પર્ધાઓ “ખુલ્લા” વિભાગમાં યોજાશે. ખુલ્લા વિભાગમાં સીધી જિલ્લા કક્ષાએ સ્ટોરી રાઈટિંગ અને ડેકલેમેશન સ્પર્ધા યોજાશે. સૌથી ખાસ વાત કે, કોઇપણ સ્પર્ધક માત્રને માત્ર એક જ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

આ યુવા ઉત્સવમાં તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક  ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ નકલ સાથે રાખીને 15 ઓક્ટોબર 2025 સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, સાતમો માળ, રવિશંકર રાવલ કલા ભવન, ભાઈકાકા ભવનની બાજુમાં, એલિસબ્રિજ , અમદાવાદ ખાતે જમાં કરવવાનું રહેશે.

15 ઓક્ટોબર ૨૦૨૫ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી અમદાવાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.