Western Times News

Gujarati News

ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક મોટો ફેરફાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ પર નિયંત્રણ લાવવા માટે ટૂંક સમયમાં જ એક કાયદો લાગુ કરવામાં આવશે. આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષના વડપણ હેઠળ એક વિશેષ સમિતિની રચના કરાઈ છે.

આ કમિટીમાં કુલ ૮ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશ્નર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને સામેલ કરાશે. આ આઠ સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણોનો મુસદ્દો તૈયાર કરશે.

આ કાયદો ટ્યુશન ક્લાસની ફી, અભ્યાસક્રમ, સલામતીના ધોરણો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ ડ્રાફ્‌ટ કાયદાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શકતા અને જવાબદારી લાવવાનો છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ હશે.

આ કાયદો લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે થતાં શોષણથી રક્ષણ મળશે તેવી આશા છે. આ કાયદો ખાનગી ટ્યુશન ક્લાસની મનમાની પર લગામ કસશે અને એક સુવ્યવસ્થિત શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં મદદ કરશે.

આ કાયદાનો મુસદ્દો અંતિમ મંજૂરી અને અમલીકરણ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ આ કાયદો લાગુ થશે, જે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરુ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.