બ્લેકમાં વેચાતા ગરબાના પાસ અને ટિકિટોની આવક પર કરચોરી થતી હોવાની શંકાના આધારે GSTના દરોડા

પ્રતિકાત્મક
પ્રતિકાત્મક
અમદાવાદ-સુરતના ૮ અગ્રણી ગરબા આયોજકોને ત્યાં GST વિભાગના દરોડાથી ફફડાટ
(એજન્સી) અમદાવાદ, નવરાત્રિના પાવન પર્વ વચ્ચે ગુજરાતના બે મહાનગરો – અમદાવાદ અને સુરત – માં ગરબા આયોજકો પર જીએસટી (GST) વિભાગે મોટી કાર્યવાહી કરી છે.
ગુપ્ત માહિતીના આધારે, જીએસટી વિભાગની કુલ ૧૦ ટીમો દ્વારા અમદાવાદ અને સુરતના ૮ જેટલા મોટા ગરબા આયોજકોના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાને કારણે ગરબાના આયોજન સાથે જોડાયેલા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કાર્યવાહીમાં જીગરદાન ગઢવી, આદિત્ય ગઢવી અને પૂર્વા મંત્રી જેવા જાણીતા કલાકારોના ગરબા આયોજનોને પણ આવરી લેવાયા છે. જીએસટી વિભાગની ટીમો મુખ્યત્વે બ્લેકમાં વેચાતા પાસ અને ટિકિટોની આવક પર કરચોરી થતી હોવાની શંકાના આધારે ત્રાટકી હતી.
વિભાગે આ મોટા આયોજકો પાસેથી પાસના વેચાણ, કુલ આવક અને ખર્ચનો સંપૂર્ણ હિસાબ માંગ્યો છે. દરોડા પાડનારી ૧૦થી વધુ અધિકારીઓની ટીમોએ ગરબા આયોજનના વિવિધ પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. નવરાત્રિના તહેવાર દરમિયાન જ આ પ્રકારની કાર્યવાહી થવાથી ગરબા રસિકો અને જાહેર જનતામાં પણ આ મામલે ભારે ચર્ચા જાગી છે.