વી. એસ. બોર્ડમાં ઠરાવ કર્યા વિના જ બેડની સંખ્યા ઘટાડીને 200 કરવામાં આવી

૩૦૦ બેડના વિભાગનું ફર્નિચર વેચવામાં આવશે
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરની શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને હવે લગભગ નામશેષ કરવામાં આવી છે. મ્યુનિ.શાસકો દ્વારા હોસ્પિટલ રિનોવેશનના નામે ડિમોલેશન કરવામાં આવ્યાં છે પરંતુ, તેની સામે હજી નવી હોસ્પિટલ માટે પ્લાન કે ડિઝાઈન પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
જ્યારે ચોંકાવનારી બાબત એ છે કે, હોસ્પિટલમાં બેડની સંખ્યા ૫૦૦થી ઘટાડી ૨૦૦ કરવામાં આવી છે. જેના માટે હજી સુધી વીએસ બોર્ડમાં કોઈ જ ઠરાવ થયો નથી અને ૨૦૦ બેડની ગણતરી કરી હોસ્પિટલનું ફર્નિચર વેચવા માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે.
શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે આશિર્વાદરૂપ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને સત્તાધારી પાર્ટી દ્વારા ૨૦૧૨-૧૩માં એક જ ઠરાવ કરી નામશેષ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. તે ઠરાવ મુજબ હોસ્પિટલ જ્યારે શરૂ થઈ તે સમયે જેટલા બેડ હતા તેટલાં જ બેડથી હોસ્પિટલ ચલાવવાની હતી.
પરંતુ ટ્રસ્ટીઓની જાગૃતતાનાં કારણે તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકી નહતી. કોર્ટ અને ચેરીટી કમિશનરના હુક્મ મુજબ હોસ્પિટલ ૫૦૦ બેડથી ચલાવવા શાસકો મજબૂર બન્યા હતાં. તેથી તેનો વસોવસો કે ડંખ હૃદયના કોઈ ખૂણે રહી ગયો હતો. તેથી છ મહિના પહેલાં હોસ્પિટલ રિનોવેશનનાં નામે વીએસ કેમ્પસનાં બે બિલ્ડીંગોને છોડી બધા બિલ્ડીંગ તોડી પાડવામાં આવ્યા છે.
સાથે-સાથે હોસ્પિટલમાં રીનોવેશનના નામે બેડની સંખ્યા ૫૦૦થી ઘટાડી ૨૦૦ કરવામાં આવી છે. અહીં ચોંકાવનારી બાબત એ છે કે, બેડની સંખ્યા ૨૦૦ કરવા માટે હાઈકોર્ટની મંજૂરી લેવી જરૂરી બને છે ઉપરાંત વીએસ બોર્ડમાં તેનો ઠરાવ કરવો પણ ફરજિયાત છે.
વીએસ બોર્ડ અધ્યક્ષ (મેયર) દ્વારા આ પ્રકારની કોઈ જ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. તેમ છતાં હોસ્પિટલ ૨૦૦ બેડથી ચલાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તેમજ ૩૦૦ બેડના વિભાગોનાં ફર્નિચર વેચાણ માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વીએસ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, જે ૩૦૦ બેડ બંધ કરવામાં આવ્યાં છે. તેના વિભાગનાં ફર્નિચર તેમજ મેડિકલ ઈન્સ્ટ›મેન્ટ, અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એલ.જી.હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ મોકલી આપવામાં આવશે.
ત્યારબાદ જે ફર્નિચર કે સાધનો વધશે તેને ટેન્ડર પ્રક્રિયા કરી વેચવામાં આવશે. એનો સીધો મતલબ એ થાય છે કે, શાસકપક્ષ હવે વીએસ હોસ્પિટલને માત્ર ૨૦૦ બેડ પૂરતી જ સીમિત રાખશે.