અમદાવાદ, ઓઢવ, મહુધા વગેરે વિસ્તારમાં ચોરીઓને અંજામ આપનાર ઝડપાયો

મહોળેલ ગામના શિક્ષિકાના બંધ મકાનમાં થયેલ રૂ.૬.૬૫ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો-મુખ્ય આરોપી ઝડપાયો, રૂ.૧.૬૦ લાખ રોકડા અને હથિયાર કબ્જે
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકા ના મહોળેલ ગામના રાજ ફળિયામાં રહેતા અને શિક્ષિકા તરીકે ફરજ શિકાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ગયેલી રૂ.૬,૬૫,૦૦૦ની ચોરી કરી હતી ચકલાસી પોલીસે આનો ભેદ ઉકેલ્યો છે અને પોલીસે ચોરીના મુખ્ય આરોપીને દબોચી લીધો છે અને તેની પાસેથી રોકડા રૂ.૧,૬૦,૨૦૦ તેમજ ચોરીમાં ઉપયોગમાં લીધેલ હથિયાર કબ્જે કર્યું છે.
મળતી માહિતી મુજબ મહોળેલ ગામમાં રહેતા શિક્ષિકા હેમાબેન રાજ તારીખ ૧૬/૦૯/૨૦૨૫ના રોજ રાત્રે પોતાના નિત્યક્રમ મુજબ મકાનને તાળું મારી નોકરી પર ગયા હતા. તેમના પતિ કામ અર્થે બહાર ગયા હતા. એ જ દિવસે બપોરના સમયે શિક્ષિકાના પાલૈયા ગામે રહેતા બીમાર માતાને નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જેથી હેમાબેન તેમની સાથે હોસ્પિટલમાં રોકાયા હતા. બીજી તરફ, ડ્રાઇવિંગ કરતા તેમના પતિ પણ રાત્રે પાલૈયા ગામે સાસરીમાં રોકાયા હતા.
આ બંધ મકાનનો લાભ લઈને કોઈ તસ્કર ગેંગે રાત્રિના સમયે મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના લોખંડના મુખ્ય દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર જઈને સરસામાન વેરવિખેર કરી નાખી, તિજોરી તોડી તેના લોકરમાં મૂકેલા રોકડા ?૧,૭૫,૦૦૦ અને સોનાના દાગીના મળી કુલ રૂ.૬,૬૫,૦૦૦ની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચકલાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ભરવાડએ તપાસ સંભાળી હતી. તેમણે ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તપાસ કરતા જાણવા મળ્યું કે આ ગુનામાં અગાઉ પણ ચોરીના ગુનાઓમાં પકડાયેલો રાજેન્દ્રસિંગ સરદાર (રહે. ફિણાવ ભાગોળ, તા. મહુધા, જી. ખેડા) સંડોવાયેલો છે. આરોપીને શોધવા માટે સર્વેલન્સ સ્કોર્ડને સૂચના આપવામાં આવી હતી.
ગત તારીખ ૨૭/૦૯/૨૦૨૫ના રોજ પીઆઇ એમ.બી. ભરવાડ તેમની સર્વેલન્સ સ્કોર્ડ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમી મળી કે રાજેન્દ્રસિંગ સરદાર મહુધાની આજુબાજુના ગામમાં ભૂંડ પકડવા ગયો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી રાજેન્દ્રસિંગ સરદારને ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપીની યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે તેના બે સહ-આરોપીઓ ચિલુસિંગ ગુરમુર્ખસિંગ સીકલીગર અને બલવીરસિંગ ઉર્ફે બલ્લી નેપાલસિંગ સીકલીગર (બંને રહે. એકતા નગર, વડોદરા) સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. પોલીસે મુખ્ય આરોપી રાજેન્દ્રસિંગ સરદારની અટકાયત કરી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ લોખંડની જાળીનો નકુચો તોડવાનું હથિયાર અને રોકડા રૂ.૧,૬૦,૨૦૦ રિકવર કર્યા છે.
આરોપીએ અમદાવાદ, ઓઢવ, મહુધા વગેરે વિસ્તારમાં થઈને છ જેટલી અન્ય ચોરીઓ પણ કરી હોવાની કબૂલાત કરી છે. હાલમાં સહ-આરોપીઓને પકડવા અને અન્ય મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.