Western Times News

Gujarati News

ઇન્ડોનેશિયા: નમાઝ દરમિયાન શાળા ધરાશાયી થતાં ૬૫ વિદ્યાર્થીઓ દટાયા

(એજન્સી)ઇન્ડોનેશિયા,

ઇન્ડોનેશિયામાં એક ઇસ્લામિક સ્કૂલની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. છઁના રિપોર્ટ મુજબ, કાટમાળ નીચે ઓછામાં ઓછા ૬૫ વિદ્યાર્થીઓ દટાયેલા હોવાની આશંકા છે. Indonesia Islamic School Building Collapsed:

અધિકારીઓએ જણાવ્યું કે, આ નિર્માણાધીન ઇમારત ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ સોમવારના રોજ જ્યારે ડઝનબંધ વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા, ત્યારે તેમના પર તૂટી પડી. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું, ડઝનબંધ ઘાયલ થયા અને ઘણા વિદ્યાર્થીઓ કાટમાળમાં ફસાયા છે. આ વિદ્યાર્થીઓની ઉંમર મોટે ભાગે ૧૨ થી ૧૭ વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે.

ઇમારત તૂટી પડ્યા બાદ તરત જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. વાલીઓ અને સગાં-સંબંધીઓ તેમના બાળકોની સલામતીની દુઆઓ કરવા માટે સ્કૂલ કેમ્પસ અને હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

નોંધનીય છે કે, કમાન્ડ પોસ્ટ પર લગાવેલા નોટિસ બોર્ડ મુજબ ૬૫ જેટલા વિદ્યાર્થીઓ હજુ પણ લાપતા છે. પોતાના સંતાનનું નામ ગુમ થયેલાની યાદીમાં જોઈને અનેક વાલીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા

બચાવકર્મીઓ, પોલીસ અને સૈનિકોએ રાતભર રાહત અભિયાન ચલાવીને અત્યાર સુધીમાં ૮ ઘાયલ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. રેસ્ક્્યૂ ટીમ દટાયેલા વિદ્યાર્થીઓ જીવિત રહી શકે તે માટે તેમના સુધી ઓક્સિજન સિલિન્ડર અને પાણીની બોટલો પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

જોકે, આ બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ છે, કારણ કે કોંક્રિટના ભારે સ્લેબ અને ઇમારતનો તૂટી ગયેલો અસ્થિર ભાગ કોઈ પણ સમયે ફરીથી ધરાશાયી થઈ શકે છે. આ કારણે જ ભારે મશીનોનો ઉપયોગ ઓછો કરવામાં આવ્યો છે.

સર્ચ અને રેસ્ક્્યૂ અધિકારીએ સમજાવ્યું કે, ‘અમે મશીન વાપરવામાં અચકાઈએ છીએ, કારણ કે તેનાથી વધુ પડતું ધોવાણ થઈ શકે છે અને વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.’આ દુર્ઘટના બાદ વિદ્યાર્થીઓના પરિવારો સ્કૂલ પરિસરમાં અને હોસ્પિટલોમાં આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક માતાએ રડતાં રડતાં કહ્યું કે, ‘હે ભગવાન, મારો દીકરો હજી પણ દટાયેલો છે, કૃપા કરીને મદદ કરો.’

ઘટના બાદ સ્થાનિક પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ પ્રકારની ઇમારતોમાં ઘણીવાર નિર્માણ ધોરણોની અવગણના અને જાળવણીનો અભાવ હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.