જો ભારત-ચીન મક્કમ રહ્યા તો અમેરિકાને તેની સોયાબીન-મકાઈ ખરીદનાર કોઈ નહીં મળે

અમેરિકા વર્ષે ૨૪ અબજ ડોલર કરતાં પણ વધુ મૂલ્યની સોયાબીનની નિકાસ કરે છે. તેમાથી અડધી તો ચીન ખરીદે છે,
અમેરિકન સોયાબીનના કોઈ ખરીદદાર જ નહીં-ટેરિફના કારણે આજે પરિસ્થિતિ એવી આવી છે કે અમેરિકન ખેડૂત તેમની મકાઈ અને સોયાબીનનો પાક વેચવા સંઘર્ષ કરી રહ્યા છે.
(એજન્સી)નવીદિલ્હી, કહેવત છે કે ભેંસના શીંગડા ભેંસને ભારે પડેઅમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ આવું જ થયું છે. તેમણે નાખેલા ટેરિફ હવે તેમને જ નડી રહ્યા છે. તેના ટેરિફના કારણે આજે પરિસ્થિતિ એવી આવી છે કે અમેરિકન ખેડૂત તેમની મકાઈ અને સોયાબીનનો પાક વેચવા સંઘર્ષ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ભારત-ચીન મક્કમ રહ્યા તો અમેરિકાને તેની સોયાબીન-મકાઈ ખરીદનાર કોઈ નહીં મળે.
અમેરિકન ખેડૂતોની સ્થિતિ એકદમ ખરાબ બનતા સરકાર પર દબાણ આવશે. અમેરિકન સેનેટમાં પણ આ મુદ્દો હાલમાં ગરમી પકડી રહ્યો છે. હવે જો ભારત-ચીને થોડો પણ સમય ખેંચી કાઢ્યો તો ટ્રમ્પ રીતસર ઘૂંટણિયે આવી જશે.
અમેરિકા વર્ષે ૨૪ અબજ ડોલર કરતાં પણ વધુ મૂલ્યની સોયાબીનની નિકાસ કરે છે. તેમાથી અડધી તો ચીન ખરીદે છે, હવે ટ્રમ્પના ટેરિફના કારણે ગીન્નાયેલા ચીને સોયાબીન ખરીદવા માટે અમેરિકાના બદલે બ્રાઝિલ અને આર્જેન્ટિના પર પસંદગી ઉતારી છે. જ્યારે ભારતમાં તો બંને મોકલવા હોય તો ૪૫ ટકા અને ૬૦ ટકા ટેક્સ ચૂકવવો પડે.જ્યારે ચીને ટ્રમ્પના ટેરિફ સામે વળતો ૩૪ ટકા ટેરિફ લાદ્યો છે.
આજે અમેરિકન ખેડૂતોનો મકાઈ અને સોયાબીનનો પાક ઊભો તૈયાર છે, પરંતુ તેનું લેવાલ કોઈ નથી. ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા મુજબ એક સમયે ૧૨થી ૧૩ અબજ ડોલરના સોયાબીનની ખરીદી કરતા ચીને આ વર્ષે અમેરિકા પાસેથી સમખાવા પૂરતી પણ સોયાબીનની આયાત કરી નથી.
ચીને તેના બદલે બ્રાઝિલ અને આર્જેન્ટિના પર પસંદગી ઉતારી છે. અમેરિકન સોયાબીન નિકાસ પરિષદના સીઇઓ જિમ સટરને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોયાબીન માટે સમય હવે ખેડૂતોના હાથમાંથી નીકળી રહ્યો છે. ચાર-ચાર વખત મંત્રણા થવા છતાં સોયાબીનને લઈને કોઈ વાત બની નથી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે સોયાબીન અંગે જો કોઈ ઉકેલ ન આવ્યો તો તેઓ રાહત પેકેજ આપી શકે છે, જે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલા પેકેજ જેવું જ હશે. તેની સામે સોયાબીનનો પાક લેનારા ખેડૂતોનું કહેવું છે કે આ પ્રકારની રાહત ફક્ત કામચલાઉ સમાધાન જ હશે. આ અંગે ચીનનું સ્પષ્ટ કહેવું છે કે અમેરિકા પહેલા અયોગ્ય ટેરિફ હટાવે, પછી અમે વિચારીશું.
અમેરિકન ટેરિફ સામે ચીનના વળતા પ્રહારના કારણે જુવાર, મકાઈ, કપાસની સાથે મરીન ફૂડ એક્સ્પોર્ટ પર પણ વિપરીત અસર પડી છે. આમ ભારત, ચીન, રશિયા અને બ્રાઝિલ થોડો સમય પણ મક્કમ રહ્યા તો અમેરિકાની ટેરિફની બધી દાદાગીરી સોંસરવી નીકળી જવાની છે. ટેરિફના જોર પર કૂદાકૂદ કરતાં ટ્રમ્પ સાવ ઢીલાઘેંસ થઈ જશે. આગામી દિવસોમાં ખેડૂતો વીફરશે તો ટ્રમ્પને નાકલીટી તાણ્યા વગર છૂટકો જ નથી. આમ બ્રિક્સ દેશોની એક્તા ટ્રમ્પને ટેરિફ ભૂલવાડી શકે છે.