વિદેશી વસ્તુની માંગ ઘટાડો સ્વદેશીને આપોઆપ વેગ મળશેઃ ડો. કાર્તિકેય ભટ્ટ

ભાવી પેઢી ગાંધી વિચાર સમજે સ્વદેશીના માર્ગે આત્મનિર્ભર ભારત બનાવે: ડો. જગદીશ ભાવસાર
અમદાવાદ, મહાત્મા ગાંધી વિચાર પ્રસાર કેન્દ્રના ઉપક્રમે એચ.કે. સેન્ટર ગુજરાત યુનીવર્સીટી ખાતે ગાંધી જયંતી ઉજવણીના ઉપલક્ષ્યમાં સ્વદેશી- આજ અને કાલ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું.
આ વ્યાખ્યાનમાં વક્તા તરીકે પીલવાઈ કોલેજના અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક ડો. કાર્તિકેય ભટ્ટે ઉપસ્થિત રહીને મહાત્મા ગાંધીજીના જીવનપ્રસંગો અને વિચારોને રસપ્રદ રીતે છાત્ર-છાત્રાઓ સમક્ષ રજુ કર્યા હતાં. ભારતમાં આત્મનિર્ભર થવા તરફની જે ગતિ પકડાઈ છે તેનો હિસ્સો બનવા સૌને અપીલ કીર હતી. તેઓએ વિદેશી વસ્તુની માંગમાં ઘટાડો કરાશે તો આપોઆપ સ્વદેશીને વેગ મળશે, ઘરેલું ઉત્પાદન અને રોજગારીમાં વધારો થશે.
વ્યાખ્યાનમાળાના ઉદઘાટન પ્રસંગે ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસારે સ્વાગત પ્રવચન કરતાં ગાંધી જયંતી ઉજવણી અને વ્યાખ્યાનના વિષય પરત્વે સમજ આપી હતી. તેઓએ વ્યાખ્યાન ભાવી પેઢી ગાંધી વિચાર સમજે અને સ્વદેશીના માર્ગે આત્મનિર્ભર ભારત બનાવે તે માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે તેમ જણાવ્યું હતું.
આજની વ્યાખ્યાનશ્રેણીનું સંચાલન એચ.કે. આર્ટસ કોલેજના ઈતિહાસ વિભાગના અધ્યક્ષા ડો. ફાલ્ગુની પરીખે કર્યુ હતું. ગાંધીજીની સ્વદેશીની વાત અને ર૦મી સદીમાં સ્વદેશીના થયેલા પ્રયાસોને રજુ કર્યા હતા.
વ્યાખ્યાન શ્રેણીમાં ડો. દિલીપભાઈ ચરણ, ડો. કૌશિકભાઈ રાવલ, ડો. ધુતી યાજ્ઞિક, પ્રો. રોનીકા બોઝ, પ્રોફ. એચ.કે.ઠાકર, પ્રો. નુસરત શેખ, નીલેશ ભાવસાર, હનીફ માણેકિયા, ભારત ભાવસાર, પૌલોમીબેન મહેતા, દક્ષા ભાવસાર, છાયા ત્રિપાઠી સહિત છાત્ર-છાત્રાઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડો. દિલીપભાઈ ચારણે કર્યું હતું.