અમદાવાદ જિલ્લામાં ૭ લાખથી વધુ પોસ્ટકાર્ડ લખીને PM મોદીનો આભાર માન્યો

આણંદ તાલુકાની અજરપુરા દૂધ મંડળીના સભ્યો
‘આત્મનિર્ભર ભારત’ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતાં પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશને રાજ્યમાં વ્યાપક જન પ્રતિસાદ
રાજ્યભરની સહકારી મંડળીઓએ વડાપ્રધાનશ્રીના નિર્ણયોથી સહકાર ક્ષેત્રમાં ક્રાંતિ બાદ GST ઘટાડો અને સ્વદેશી અપનાવવાનો કર્યો સંકલ્પ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. આ જ શ્રેણીમાં વડાપ્રધાનશ્રીએ સહકારિતા મંત્રાલયને અલગ બનાવીને ‘સહકારથી સમૃદ્ધિ‘ના વિઝનને નવો વેગ આપ્યો છે.
સ્વદેશીના બળ પર આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રીને અભિનંદન આપવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરની સહકારી મંડળીઓએ પોસ્ટકાર્ડ લખવાની અનોખી ઝુંબેશ હાથ ધરી છે જેને રાજ્યભરમાં વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે. સહકાર ક્ષેત્રમાં ક્રાંતિ બાદ GST ઘટાડો અને સ્વદેશી અપનાવવાનો પણ રાજ્યભરની સહકારી મંડળીઓએ સંકલ્પ કર્યો છે.
વડાપ્રધાનશ્રીના આ વિઝનને આગળ ધપાવવા માટે ૬૦ જેટલા કલ્યાણકારી પગલાં લેવાયા છે, જેનાથી સહકારી મંડળીઓને અનેક ફાયદાઓ થયા છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયો જેવા કે, વિદેશથી કૃષિ-ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ અને જીએસટી (GST)માં ઘટાડો થવાથી સહકારી મંડળીઓ તેમજ દૂધ મંડળીઓને સીધો લાભ મળશે.
જીએસટી ઘટાડાનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોની બચતમાં વધારો કરવાનો અને ખેડૂતો સહિત નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે. આર્થિક ગતિવિધિઓને વેગ આપતી સ્વદેશી ઝુંબેશ થકી ખેડૂતો, ગ્રાહકો અને વેપારીઓ સૌને લાભ મળી રહ્યો છે. જિલ્લાની સહકારી મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, સભાસદો, નાના વેપારીઓ અને ખેડૂતોએ આ નિર્ણયોને ઉમળકાભેર આવકાર્યા છે.
આ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા દેશવાસીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સહકારથી સમૃદ્ધિ‘ કાર્યક્રમ હેઠળના વિવિધ ૧૭ આયામોના અમલ, જીએસટી ટેક્સ ઘટાડો, ખેડૂતલક્ષી યોજનાઓ અને સ્વદેશી ચળવળ અંતર્ગત આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટેના પ્રયાસોની સરાહના કરી હતી.
આ પોસ્ટકાર્ડમાં તેમણે “હું સ્વદેશી અપનાવીશ…. ! આત્મનિર્ભર ભારત આપણે બનાવીશું…!”ના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સહકારી ક્ષેત્રે લેવાયેલા સકારાત્મક નીતિગત નિર્ણયો બદલ આભાર માન્યો હતો.
“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” જેવા સૂત્રોથી આ અભિયાનમાં ભારતના નાગરિકો સ્વદેશી વસ્તુ વાપરવા પ્રત્યે જાગૃત થયા છે. આ મહાઅભિયાનમાં જોડાનારા વ્યક્તિઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે શ્રી નરેન્દ્રભાઈ મોદીની વડાપ્રધાન તરીકેની સફળતા અને લોકચાહનાને દર્શાવે છે.
આણંદ તાલુકાની અજરપુરા દૂધ મંડળીના સભ્યોએ સામૂહિક એકઠા થઈને વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી જી. એસ. ટી.નો દર ઘટાડવા બદલ આભાર વ્યક્ત કર્યો
● અમદાવાદ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫ અંતર્ગત રાજ્યની વિવિધ સેવા સહકારી મંડળીઓના સભાસદોએ ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંક લિ. (ADC બેંક) સાથે મળીને અંદાજે છ લાખ જેટલા પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો છે. તે જ રીતે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની દૂધ ઉત્પાદક સહકારી સંસ્થાઓની મહિલાઓએ ધી અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. સાથે મળીને અંદાજે ૧.૭૦ લાખ પોસ્ટકાર્ડ દ્વારા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
● અરવલ્લી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામમાં આવેલી ફરેડી દૂધ મંડળીની બહેનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્રો લખીને તેમના હિતલક્ષી નિર્ણયોની સરાહના કરી છે. આ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા સહકારી સભ્યો પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. GST તથા સ્વદેશી અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટેના પ્રયાસોને મજબૂતી આપી રહ્યા છે.
● બોટાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને શ્રી બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શ્રી ભોળાભાઈ રબારી અને વાઇસ ચેરમેનશ્રી મેપાભાઈ મારુંએ પ્રજાલક્ષી તેમજ પશુપાલકલક્ષી નિર્ણય બદલ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો*
●સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાની ૮૨૫ દૂધ મંડળીઓના સભાસદોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર ક્ષેત્રે કરેલી પહેલ બદલ આભાર વ્યક્ત કરવા માટે પોસ્ટકાર્ડ ઝુંબેશ યોજી હતી.
આ ઝુંબેશ અંતર્ગત સભાસદોએ પ્રધાનમંત્રીશ્રીને સંબોધીને ખાસ કરીને સહકાર મંત્રાલયની સ્થાપના, સહકારી ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારા, જીએસટીમાં રાહતો તથા સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવાના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
● જામનગર સહકારી ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા બદલ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ શ્રી ગોરખડી સેવા સહકારી મંડળી લી. ના સભ્યોએ ઉત્સાહભેર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા હતા.
● ભાવનગર ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ આર્થિક ઉત્કર્ષ માટે વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો હતો. બુધેલ ગામના ખેડૂતોએ પોસ્ટકાર્ડમાં વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતાં લખ્યું છે કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, આપના દ્વારા દેશના ઇતિહાસના ૭૫ વર્ષમાં પ્રથમ વખત અલગ સહકાર ખાતાની રચના કરી સહકારી ચળવળને વેગ આપ્યો છે એ બદલ અમે આપનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.
● પાલનપુર આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ હેઠળ સહકારી બેંક ક્ષેત્રે નવીનીકરણ અને ઘર આંગણે સુવિધાઓ પ્રદાન થતા બનાસકાંઠા સ્થિત બનાસ બેન્કના ચેરમેનશ્રી અને બનાસ બેન્કના કર્મચારીઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં પશુ નિભાવ ખર્ચ માટે ઝીરો ટકા વ્યાજે મળતી રૂ. ૨ લાખ સુધીની KCC લોન, ગ્રામ્ય કક્ષાએ માઇક્રો ATM જેવી સુવિધા, PACS કોમ્પ્યુટરાઈઝેશન, કોમન સર્વિસ સેન્ટર, નેશનલ કો ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડની રચના, ગ્રામીણ સોયાટીઓને ડિજિટલ માધ્યમ સાથે જોડવા માટેની ઝુંબેશ વગેરેનો સમાવેશ થાય છે.
● નર્મદા નર્મદા જિલ્લાના ધારીખેડા સ્થિત શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નરેન્દ્રભાઈ પટેલ અને જિલ્લાના અગ્રણી ખેડૂતોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ થયેલા જી.એસ.ટી.માં સુધારા, ‘વોકલ ફોર લોકલ’ અને ‘સ્વદેશી’ અભિયાન સહિત સુગર ફેક્ટરીના વિકાસ માટે કેન્દ્ર-રાજ્ય સરકાર તરફથી મળેલી લોન-સહાય-સહકાર માટે ભારતીય પોસ્ટકાર્ડના માધ્યમથી આભાર વ્યક્ત કર્યો હતો. સુગર ફેક્ટરી દ્વારા પણ ગત વર્ષે ૬૦ હજાર લીટર ઇથેનોલનું ઉત્પાદન થયું તેમજ બીજા પ્લાન્ટની પણ સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્ર-રાજ્ય સરકારની નીતિઓ અને સહાયથી અમે સફળતાની રાહ ચીંધી છે.