ઉમરેઠમાં હવનઃ 200 મણ લાકડા, 50 કીલો પાયસ, 100 કીલો તલ, 50 કીલો ઘી, 1000 નંગ નાળીયેર વપરાશે

ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસિક વારાહી માતાજીના હવનના દર્શન નો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાળ જ્ઞાતિના લોકો દૂર દૂરથી આવે છે, આ સમયે બ્રાહ્મણ પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે.
ઉમરેઠ – શ્રી વારાહી માતાજીનો ૨૬૮મો વિશ્વ વિખ્યાત નોમનો હવન યોજાશે
(પ્રતિનિધિ) ઉમરેઠ, ઉમરેઠ નગરમાં ઐતિહાસિક વારાહિ માતાનો આસો સુદ-૯ ને ૧/૧૦/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી વારાહી માતા હવન ચોકમાં સ્નેહલભાઈ ઉમાકાંત દવે ના આચાર્ય પદે તેમજ સુનિલભાઈ ભગવતલાલ દલાલ પરિવારના યજમાન પદે યોજાશે. હવનની તૈયારીઓમાં બાજખેડાવાળ જ્ઞાતિના સેવક લાગી ગયા છે
ત્યારે ખાસ કરીને બ્રાહ્મણોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા વારાહી માતાજીના હવનના દર્શનનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવશે. લોકવાયકા છે કે ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસિક વારાહી માતાજીના હવનના દર્શન નો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાળ જ્ઞાતિના લોકો દૂર દૂરથી આવે છે, આ સમયે બ્રાહ્મણ પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે.
વારાહી માતા નો હવન અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે, વારાહી ટ્રસ્ટ ના પ્રમુખ સુરેશભાઈ જોશીએ જણાવ્યું હતુ કે હવન દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહી માતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે
અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ઓગનીસ ગાંઠ મારતા હોય છે. આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૦ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે, ખાસ કરીને બાજખેડાવાળ બ્રાહ્મણોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા ચમત્કારી વારાહિમાતા ના હવનમાં ૧૯ કવચ હોમવામાં આવે છે તેમજ હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કીલો પાયસ, ૧૦૦ કીલો તલ, ૫૦કીલો ઘી, ૧૦૦૦ નંગ નાળીયેર, તથા મોટી માત્રામાં પુજાપો વપરાય છે. દૂધમાં ચોખા પણ રાંધવામાં આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરીકે કરવામાં આવે છે.
હવન પહેલા વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે જે ત્રણ પ્રહરની હોય છે એટલે કે તે દિવસે સવારે દસ કલાકે ત્યારબાદ સાંજે સાત કલાકે અને રાત્રે દસ કલાકે પૂજા વિધિ કર્યા બાદ જ હવન શરૂ થાય છે. માતાજી જે સ્થળે પ્રગટ થયા હતા તે જ સ્થળ પર આ હવન કરવાની વર્ષો થી પરંપરા ચાલી રહી છે. આ હવનની ખાસ વિશેષતા તે છે કે હવન માટે કોઈ કુંડ બનાવવામાં આવતો નથી જમીન પર માત્ર ગાયનું ગોબર તથા માટીનું લીપણ જ કરવામાં આવે છે અને તેની ઉપર હવનમાં ઉપયોગમાં લેવાના કાષ્ટ ગોઠવવામાં આવે છે.
વારાહી માતાજીના હવન નિમિત્તે વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે જેમા પ્રાતઃ પુજા તા.૧/૧૦/૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૧૦ કલાકે, હવન ચોક પુજા સાંજે ૭.૨૦ કલાકે, મહા આરતી રાત્રે ૮ કલાકે, રાત્રી પુજા ૧૦ઃ૨૦ કલાકે, હવન નો આરંભ રાત્રે ૧૧.૧૧ કલાકે તેમજ પૂર્ણાહૂતિ તા.૨/૧૦/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૬.૩૧ કલાકે કરવામાં આવશે. આ ઉપરાંત તા.૨૨/૯/૨૦૨૫ થી ૬/૧૦/૨૦૨૫ સુધી સાંજે ૭.૩૦ કલાકે આરતી-ચંડીપાઠ અને તા.૬/૧૦/૨૦૨૫ ને સોમવારના રોજ માતાજીની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.