Western Times News

Gujarati News

યુએસ સરકારમાં ૧,૫૦,૦૦૦થી વધુ કર્મચારીઓ રાજીનામાં મૂકશે

વોશિંગ્ટન, યુએસ સરકારનો પગાર મેળવતા ૧,૫૦,૦૦૦ કર્મચારીઓ આ અઠવાડિયાં રાજીનામું આપવાના છે. અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટી છટણી કરવા માટે હાથ ધરેલા પ્રયાસો અંતર્ગત ટ્રમ્પ સરકારે રાજીનામું આપનારા કર્મચારીઓ માટે આર્થિક વળતરની યોજના અમલમાં મૂકી હતી. તેનો સ્વીકાર કરનારા કર્મચારીઓ મંગળવારથી રાજીનામું આપવાનું શરૂ કરશે.

સરકારે આપેલા બાયઆઉટ વિકલ્પનો સ્વીકાર નહીં કરનારા કર્મચારીઓ નોકરી પર યથાવત રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે સરકારનો આર્થિક બોજ ઘટાડવા કર્મચારીઓની મોટા પાયે છટણીનો નિર્ણય લીધો હતો.

જેમાં કર્મચારીઓને આર્થિક વળતર અથવા ડિસમિસ કરી દેવાની ચીમકી સરકારે આપી હતી. સરકારના એચઆર સૂત્રોના જણાવ્યા મુજબ, ઘણાં કર્મચારીઓએ તો મહિનાઓ અગાઉ રાજીનામા આપી દીધા છે અને તેઓ ચાલુ પગારે રજા ભોગવી રહ્યા છે.

મસ્કરના પૂર્વ સલાહકાર ઈલોન મસ્કે કર્મચારીઓની સંખ્યા ઘટાડવા સલાહ આપી હતી. મસ્કનું માનવું હતું કે, સરકારમાં પુષ્કળ અને બિનકાર્યક્ષમ કર્મચારીઓ છે. આ વર્ષના અંત સુધીમાં ટ્રમ્પ સરકાર ૩,૦૦,૦૦૦ કર્મચારીઓને ઘર ભેગા કરવાનું લક્ષ્ય ધરાવે છે.

૧,૫૦,૦૦૦ કર્મચારીઓએ બાય આઉટ પેકેજ સ્વીકારી લીધું છે ત્યારે અન્ય કર્મચારીઓને નોકરી છોડવાની ફરજ પડે તેવા સંજોગોનું નિર્માણ કરવામાં આવશે. ફરજ પરથી પાણીચું પકડાવી દેવાની ચીમકી ટ્રમ્પે અગાઉથી આપેલી જ છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે જાન્યુઆરીમાં હોદ્દો સંભાળ્યો તે સમયની સરખામણીએ ૧૨.૫ ટકા કર્મચારીઓ ઓછા કરવાની સરકારની ઈચ્છા છે. યુનિવર્સિટી ઓફ મિશગનના પ્રોફેસર ડોન મોયનિહાનનું માનવું છે કે, આ રાજીનામાથી અમેરિકા પર વિપરિત અસર પડશે.

ઘણાં અનુભવી કર્મચારીઓના જતા રહેવાથી બ્રેઈન ડ્રેઈનની સ્થિતિ સર્જાશે અને ક્યારેય ભરપાઈ ન થાય તેવું નુકસાન થશે. નોકરી છોડનારા લોકો પોતાની સાથે અનુભવ પણ લઈ જશે અને તેનાથી સરકાર પર માઠી અસર થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.