Western Times News

Gujarati News

૨૦૨૩માં દેશમાં ૧.૭૧ લાખ લોકોએ આત્મહત્યા કરી

પ્રતિકાત્મક

નવી દિલ્હી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ વર્ષ ૨૦૨૩ના દેશભરના આંકડા જાહેર કર્યા છે. ખેડૂતો, વિદ્યાર્થીઓની આત્મહત્યા, મહિલાઓ પર અત્યાચાર સહિતના જે આંકડા જાહેર થયા છે તેમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે.

આ સત્તાવાર આંકડા મુજબ વર્ષ ૨૦૨૩માં ખેતી સાથે સંકળાયેલા ૧૦૭૦૦ લોકોએ આત્મહત્યા કરી લીધી, જેમાં ૪૬૩૦ ખેડૂતો અને ૬૦૯૬ ખેતમજૂરોનો સમાવેશ થાય છે.

જ્યારે વર્ષ ૨૦૨૩ માં કુલ ૧૭૧૪૧૮ લોકોએ આત્મહત્યા કરી તેમાં ૬૬ ટકાની વાર્ષિક આવક એક લાખથી પણ ઓછી છે.ખેડૂતો અને ખેત મજૂરોની આત્મહત્યામાં ૩૮ ટકા સાથે મહારાષ્ટ્ર પ્રથમ, ૨૨ ટકા સાથે કર્ણાટક બીજા અને ૮ ટકા સાથે આંધ્ર પ્રદેશ ત્રીજા ક્રમે છે.

આ સાથે જ દેશભરમાં વર્ષ ૨૦૨૩માં થયેલી આત્મહત્યાના કુલ આંકડા પણ જાહેર કરાયા છે, જે મુજબ વર્ષ ૨૦૨૩માં દેશભરમાં કુલ ૧૭૧૪૧૮ લોકોએ આત્મહત્યા કરી હતી જેમાં ૬૬ ટકા એટલે કે આશરે ૧૧૩૪૧૬ લોકો એવા છે કે જેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી પણ ઓછી હતી. આ આત્મહત્યા કરનારાઓમાં ખેડૂતો ઉપરાંત વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ દેશમાં છેલ્લા ૧૦ વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં ચિંતાજનક ૬૪ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩થી ૨૦૨૩ એટલે કે ૧૦ વર્ષમાં કુલ ૧૧૭૮૪૬ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું.

વર્ષ પ્રમાણે નજર કરીએ તો ૨૦૨૩માં ૧૩૮૯૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. આ આંકડો વર્ષ ૨૦૨૦માં ૧૨૫૨૬ વર્ષ ૨૦૨૩માં ૧૩૦૮૯, વર્ષ ૨૦૨૨માં ૧૩૦૪૪નો હતો. ભારતમાં કુલ આત્મહત્યાનું પ્રમાણ પાંચ વર્ષ (૨૦૧૯થી ૨૦૨૩)માં ૨૩ ટકા વધ્યું જ્યારે વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ પાંચ વર્ષમાં ૩૪ ટકા વધ્યું. વર્ષ ૨૦૨૩માં જે કુલ આત્મહત્યાઓ થઇ તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૮ ટકાથી વધુ છે.

વર્ષ ૨૦૨૩માં જે ૧૩૮૯૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તેમાં ૭૩૩૦ છોકરા અને ૬૫૫૯ છોકરીઓનો સમાવેશ થાય છે. મોટી ચિંતાજનક વાત એ છે કે આત્મહત્યા કરી તેમાં અત્યંત યુવા વયના એટલે કે ધોરણ ૧૦ સુધીના વિદ્યાર્થીઓનું પ્રમાણ ૨૪ ટકા છે, ૧૨ ધોરણ સુધીના ૧૭ ટકા, પાંચ ધોરણ સુધીના ૧૪ ટકા છે.

દેશભરમાં જે પણ ૧.૭૧ લાખથી વધુએ આત્મહત્યા કરી તેમાં ૬૬ ટકાની વાર્ષિક આવક એક લાખથી પણ ઓછી, ૨૮ ટકા એટલે કે ૪૮૪૩૨ ની એક લાખથી પાંચ લાખ વચ્ચે હતી. મૃતકોમાં માત્ર ૫.૫ ટકા જ ગ્રેજ્યુએટ કે તેનાથી વધુ શિક્ષણ મેળવ્યું હતું, મૃતકોમાં મોટો હિસ્સો ૪૨૨૩૮ લોકો એવા હતા કે જેમણે મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યાે હતો. બાળકો અને મહિલાઓ પરનો અત્યાચાર પણ વધ્યો છે.

વર્ષ ૨૦૨૩માં બાળકો પર અત્યાચારના કુલ ૧૭૭૩૩૫ કેસો નોંધાયા હતા, જે વર્ષ ૨૦૨૨ ની સરખામણીમાં ૯ ટકા વધુ છે. તેવી જ રીતે મહિલા વિરોધી ગુનાના ૪.૫ લાખ કેસો નોંધાયા તેમાં ઉત્તર પ્રદેશ ૬૬૩૧૮ કેસો સાથે પ્રથમ ક્રમે, ૪૭ હજાર કેસો સાથે મહારાષ્ટ્ર બીજા અને ૪૫૪૫૦ કેસો સાથે રાજસ્થાન ત્રીજા ક્રમે છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસોમાં ૨૯૬૭૦ કેસો રેપના હતા.

દહેજ મૃત્યુના પણ ૬૧૫૪ કેસો નોંધાયા હતા. આ તમામ કેસોમાં પતિ, સાસરિયા દ્વારા થતા ઉત્પીડન એટલે કે ૪૯૮ એના કેસોની સંખ્યા સૌથી વધુ ૧૩૩૬૭૬ એટલે કે ૧૯ ટકા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.