બોલિવૂડમાં દુર્વ્યવહાર મામલે અક્ષય કુમારનું દર્દ છલકાયું

મુંબઈ, બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક છે. તેની એક્શન ફિલ્મો, કોમેડી ફિલ્મો બધા લોકોને ખૂબ ગમે છે અને હવે તેણે બી-ટાઉનમાં ૩૫ વર્ષ પૂર્ણ કર્યા.
જો કે અભિનેતાના જીવનમાં એક સમય એવો પણ હતો, જ્યારે આઉટસાઇડર હોવાના કારણે બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવા માટે તેને ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો હતો. હવે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેણે ખુલાસો કર્યાે કે જ્યારે તેની ફિલ્મ ફ્લોપ થતી હતી, ત્યારે તેની સાથે કેવો વ્યવહાર થતો હતો. તે આ વિકટ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરતો હતો.
એક ઇન્ટરવ્યૂમાં અભિનેતા અક્ષય કુમારે કહ્યું, ‘મેં મારા અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. મેં સતત ફ્લોપ ફિલ્મો આપી છે, ૧૫થી ૧૬ ફિલ્મો એવી છે જે ફ્લોપ ગઈ છે, તો ક્યારેક ઘણી ફિલ્મો એવી છે જે હીટ પણ થઈ છે.
મેં અત્યાર સુધી ૧૫૦ ફિલ્મોમાં કામ કર્યું છે.’ અક્ષય કુમારે આગળ કહ્યું, ‘શુક્રવાર, શનિવાર અને રવિવારે મારી ફિલ્મો સારી કમાણી ન કરે ત્યારે હું નિરાશ થઈ જાઉં, પરંતુ સોમવારે હું નવેસરથી શરૂઆત કરું છું. હું મારી આગામી ફિલ્મ માટે તૈયારી શરૂ કરું છું. ક્યારેક મારી ૧૫ ફિલ્મો એકવાર સળંગ ફ્લોપ થઈ છે, તો ક્યારેક ૧૪ ફિલ્મો પરંતુ આ બધું જીવનનો એક ભાગ છે.
તમે કોઈ ફિલ્મ માટે ૮૦ દિવસ ફાળવો છો, પછી તેને ડબ કરો છો, પછી તેનું પ્રમોશન કરો છો, અને જ્યારે તે દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે હું ખૂબ જ દુઃખી થવું છું. મને એકલા બેસી રહેવાનું અને કોઈની સાથે વાત ન કરવાનું મન થાય છે. એ સમયે મારી પત્ની પણ મને સમજે છે, મારા બાળકોને કહે છે કે પપ્પાને એકલા છોડી દો, તે અમુક દિવસોમાં ઠીક થઈ જશે.’
અભિનેતાએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારી છેલ્લી ફિલ્મના પ્રદર્શનના આધારે તમારી સાથે વ્યવહાર કરાય છે. તમારા પ્રદર્શનના આધારે તમારી રૂમનો આકાર બદલાય છે. જ્યારે તમારી ફિલ્મ સારું પ્રદર્શન કરે છે, તો તમને પ્રેસિડેન્શિયલ સ્યુટ મળે છે, ક્યારેક વાઇસ-પ્રેસિડેન્શિયલ અને ક્યારેક સાધારણ રૂમ મળે છે.
મારી સાથે હવે આવુ નથી થતું, પણ મારી કારકિર્દીની શરૂઆતમાં મને આ પ્રકારના દૂરવ્યવહારનો અનુભવ થયો છે.’અક્ષયે આગળ કહ્યું, ‘એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મને નાનો રૂમ આપવામાં આવ્યો હતો.
હું મારી સાથે કામ કરી રહેલા અભિનેતાનું નામ નહીં લઉં પણ જ્યારે તે અને હું સાથે સેટ પર કામ કરી રહ્યા હતા, ત્યારે પ્રોડકશને તે અભિનેતાને મોટો રૂમ આપ્યો અને મને નાનો રૂમ આપ્યો હતો.
મને આજે પણ યાદ છે કે હું તે અભિનેતાના રૂમમાં ગયો ત્યારે મે વિચાર્યું કે મારી રૂમની સાઇઝ તેની રૂમ જેટલી કેમ નથી, પરંતુ પછી મને અનુભવ થયો કે તે અભિનેતાની છેલ્લી ફિલ્મ હીટ રહી હતી અને મારી ફિલ્મ ફલોપ હતી.’
અક્ષયે આગળ જણાવ્યું કે, ‘મેં ક્યારેય મારા જીવનમાં ભેદભાવની ફરિયાદ કોઇને કરી નથી, હું તે સમયે એવું વિચારું કે મને રહેવા એક રૂમ તો મળી છે, હું એવી જગ્યાએ પણ રહ્યો છું જ્યાં એક રૂમમાં ૨૪ લોકો રહેતા હતા. એટલે આ બધી વસ્તુઓને હળવાશથી લઇ જીવનમાં આગળ વધવું જોઈએ. અમુક નિર્માતાઓએ જ આવુ વર્તન કર્યું છે, બધાએ નહીં.’SS1MS