જીએસટીના દરમાં ઘટાડો છતાં, સરકારની આવકમાં ૯% ઉછાળો

નવી દિલ્હી, જીએસટીના દરમાં ઘટાડો થયો હોવા છતાં આ ટેક્સ મારફતની સરકારની આવક વાર્ષિક ધોરણે સપ્ટેમ્બરમાં ૯.૧ ટકા વધીને ૧.૮૯ લાખ કરોડ થઈ હતી. ગયા મહિને જીએસટીની આવક ૧.૮૬ લાખ કરોડ રહી હતી, આમ માસિક ધોરણે તેમાં ૧.૫ ટકાનો વધારો થયો હતો.જીએસટીમાં સુધારાનો અમલ ૨૨ સપ્ટેમ્બરથી થયો હતો અને તેનાથી ૩૭૫ પ્રોડક્ટ્સના ટેક્સમાં ઘટાડો કરાયો હતો.
સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન જીએસટીની કુલ ઘરેલુ આવક ૬.૮ ટકા વધી રૂ.૧.૩૬ લાખ કરોડ થઈ હતી, જ્યારે આયાત પરના ટેક્સની આવક ૧૫.૬ ટકા વધી રૂ.૫૨,૪૯૨ કરોડ થઈ હતી. જોકે જીએસટી રિફંડ પણ વાર્ષિક ધોરણે ૪૦.૧ ટકા ઉછળી રૂ.૨૮,૬૫૭ કરોડ થયું હતું. આમ જીએસટીની ચોખ્ખી આવક સપ્ટેમ્બરમાં ૧.૬૦ લાખ કરોડ રહી હતી, જે વાર્ષિક ધોરણે ૫ ટકાનો વધારો દર્શાવે છે.
ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર એમએસ મણિએ જણાવ્યું હતું કે કુલ જીએસટી કલેક્શનમાં વધારો દર્શાવે છે કે જીએસટી દરમાં ઘટાડાની અપેક્ષાએ આર્થિક પ્રવૃત્તિમાં કોઈ નોંધપાત્ર નરમાઈ આવી ન હતી.
૧થી ૨૧ સપ્ટેમ્બર દરમિયાન માગમાં નરમાઈ આવી હતી, પરંતુ ૨૨ સપ્ટેમ્બરથી માગમાં ઉછાળો આવ્યો હતો. ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક જીએસટી કલેક્શન દર મહિને આશરે રૂ.૨ લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષના માસિક રૂ.૧૮ લાખ કરોડના સરેરાશ કલેક્શન કરતાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ૩ ટકાનો તથા કોમર્શિયલ એલપીજીના ભાવમાં સિલિન્ડર દીઠ રૂ.૧૫.૫૦નો વધારો કર્યાે હતો. દિલ્હીમાં વિમાનના ઇંધણના ભાવ કિલોલીટર દીઠ રૂ.૩,૦૫૨.૫ વધી રૂ.૯૩,૭૬૬.૦૨ થયો હતાં. આની સાથે હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા કોમર્શિયલ એલપીજીના ભાવમાં સિલિન્ડર દીઠ રૂ.૧૫.૫૦ વધી રૂ.૧,૫૯૫.૫૦ થયાં હતાં.SS1MS