દશેરાએ ફાફડા-જલેબી પેટમાં પડી પચી જશે પછી ગુણવત્તાનો રિપોર્ટ આવશે

સેંકડો જગ્યાએ તંત્ર કઈ રીતે પહોંચી શકે ? વિશ્વાસે વહાણ હંકારવુ પડે તેવી સ્થિતિ, અહેવાલ આવ્યા પછી ચટણી ખરાબ હોવાનો અહેસાસ થશે
(પ્રતિનિધિ) અમદાવાદ, દશેરા હોવાથી કરોડો રૂપિયાના ફાફડા-જલેબી-ચોળાફળી લોકો આરોગશે. મોંઘાભાવના ફાફડા-જલેબી ખાધા વિના રહેવાય નહી.
અમુક જાણીતા સ્થળોએ તો ફાફડા-જલેબીના કિલોના ભાવ ૧૧૦૦-૧ર૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહયા છે છતાં ખાવાના શોખીન ગુજરાતીઓ સવારથી જ ફાફડા-જલેબી માટે કતારમાં ઉભા રહેશે. સવારથી છેક મોડી રાત સુધી ફાફડા-જલેબીની જયાફત માણવામાં આવશે. આજકાલ તો કવોલીટીને પ્રાધાન્ય આપવામાં આવી રહયુ છે.
તેથી બધી જગ્યાએ સારી ગુણવત્તાવાળા ફાફડા-જલેબી મળશે તેમ માની લઈએ તો પણ આજના કળિયુગમાં ભેળસેળ વિના ધંધો નહી કરાવાવાળા મોટી સંખ્યામાં છે. ફૂડ વિભાગ આમ તો નવરાત્રીના તહેવારથી ચેકિંગ કરી રહયું છે વાત સારી છે રાજય સરકાર- કોર્પોરેશનના ફૂડ વિભાગના એક્ટિવ અધિકારીઓ – કર્મચારીઓ ખાદ્ય ચીજવસ્તુઓનું ચેકિંગ કરી રહયા છે ત્યારે હમણા- હમણા એવા અહેવાલો બહાર આવ્યા છે કે જે કંઈ ટેસ્ટીંગ થાય છે તેના અહેવાલો સંભવતઃ દશેરા પછી આવશે.
હવે વિચારો કાલે દશેરાએ લોકો પોતાના પેટમાં કરોડો રૂપિયાના ફાફડા-જલેબી પધરાવી દેશે પછી જ્યાં જ્યાં ચેકિંગ થયું હશે તેનો રીપોર્ટ આવશે એમાંથી કેટલાક તો રીપોર્ટ સ્થળ પર આવી જશે. પરંતુ ફાફડા-જલેબી એટલી બધી જગ્યાએ બને છે કે તમામના રીપોર્ટ એક સાથે શક્ય બને નહિ એટલે દશેરાએ આમ તો આગળના દિવસની રાતથી ફાફડા-જલેબી બનતા હોય છે
લોકો મોટી સંખ્યામાં લેવા આવતા હોવાથી દરેકને તાજા ઉતારી આપવામાં સમય જાય. બધે સ્થળે કવોલીટીની પરખ કઈ રીતે કરી શકાય ? એટલે આવતીકાલે દશેરાએ ફાફડા-જલેબી ખાવામાં વિશ્વાસે વહાણ હંકારવું પડે તેવી સ્થિતિ સર્જાશે. ખાસ તો ચટણી-પપૈયાની છીણ સાચવીને – ચાખીને ખાવી જરૂરી છે કારણ કે આ બધુ પહેલેથી જ બની જતુ હોય છે.
આજકાલ તો સોસાયટી- ફલેટોમાં રહેવાસીઓ કારીગર રાખીને પોતાના સુપરવિઝન હેઠળ ફાફડા- જલેબી બનાવડાવતા હોય છે તેથી ત્યાં ભેળસેળની સંભાવના ઓછી રહે છે. પરંતુ કાલે સારી કવોલીટીની સાથે ભેળસેળવાળુ પેટમાં પડીને પચી જશે તેની ખબર લોકોને નહિ પડે. પછી પાછળથી સત્તાવાર રીપોર્ટ બહાર આવશે ત્યારે ખબર પડશે. સાલી ચટણીનો ટેસ્ટ થોડો ખરાબ તો લાગતો હતો.