ખેતીલાયક જમીનોમાં માથાભારે શખ્સોએ પરવાનગી વિના ગેરકાયદેસર ઝીંગા તળાવ ઉભા કરી દીધા

(પ્રતિનિધિ)ભરૂચ, જંબુસરના દેહગામ ગામે ગેરકાયદેસર ધમધમી રહેલ જીંગા તળાવો દૂર કરવા ગામના જાગૃત નાગરિક દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ હેઠળ મુખ્યમંત્રી, કલેક્ટર ભરૂચ તથા પ્રાંત અધિકારી સહિત સબંધિત કચેરીઓ અરજીમાં કરી છે.
જંબુસર તાલુકાના દેહગામ ગામના રહીશ હુસેન અલ્લી મલેકે સ્વાગત ફરિયાદ નિવારણ અન્વયે મુખ્યમંત્રી, કલેક્ટર ભરૂચ,જંબુસર પ્રાંત અધિકારી સહિત સબંધિત કચેરીઓમાં અરજી કરી રજૂઆત કરી હતી કે જંબુસર તાલુકાના દહેગામ ગંગવા અને નેજા ગામનાં દરિયા કિનારે આવેલ ખેતીલાયક જમીનોમાં કેટલાક ઈસમોએ કોઈપણ પરવાનગી વિના ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવેલ છે
અને દરિયા કિનારાની જમીનોનું વરસાદી પાણી દરિયામાં જવું જોઈએ તે રોકાઈ જાય છે તેના કારણે આજુબાજુની જમીનોના માલિકોને પાણીનો નિકાલ ના થતો હોવાથી ખેતીના પાકને પણ ઘણુ નુકસાન થાય છે.
દેહગામ ગામના સરવે નંબર ૭૪૮ અને ૭૪૯ વાળી જમીન માં તેની આજુબાજુની જમીનોમાં દરિયાનું પાણી લઈને મોટાપાયે ગેરકાયદેસર જીંગા તળાવ બનાવેલ છે અને તેના માટે સરકારના જુદાજુદા વિભાગો માંથી જે પરવાનગી લેવાની હોય છે તે પણ લેવામાં આવેલ નથી
અને આ બધી જમીનોમાં મોટા ભાગ ની જમીન ગામના એસટી એસસી સમાજના લોકોને જે તે સમયે જમીનો નવસાધ્ય કરવાની શરતે સરકાર માંથી આપવામાં આવેલ હતી અને તે જમીનો ૭૩ એએ હેઠળ આવેલ હોવા છતાં આ તળાવના માલિકો દ્વારા ગીરવે કે ભાડે રાખેલ છે અને આ સર્વે નંબરો ઉપરાંત પણ તેની આજુબાજુના સર્વે નંબરો વાળી જમીનમાં તળાવો બનાવેલ છે
આ બધી જમીનોમાં કેટલાક ઈસમો દ્વારા દરિયા કિનારાની ખેતીની જમીનોની અંદર ગેરકાયદેસર તળાવો બનાવેલ હોવાનો આક્ષેપ અરજીમાં કરાયેલ છે.આ વ્યક્તિઓએ આજુબાજુના સર્વે નંબરની જમીનોમાં પણ તળાવો બનાવેલ છે તેથી આ ગેરકાયદેસરના તળાવ તાત્કાલિક ધોરણે દૂર કરવા માંગ કરીને અરજીમાં અરજદાર હુસેન મલેકે વધુમાં આક્ષેપ કરેલ હતો
કે દહેગામ ગામના સર્વે નંબર ૭૮૭ પૈકી ૧ અને ૨ પૈકી વાળી જમીન ગામના ગંગેશ્વર અને મહાલક્ષ્મી માતા ટ્રસ્ટ એ/૧૦૯૦/ ભરૂચના નામથી નોંધાવેલ ધાર્મિક ટ્રસ્ટની જમીનોમાં આવા ગેરકાયદેસરના તળાવો બનાવેલ છે અને તેની કોઈપણ પરવાનગી સરકાર માંથી કે ચેરીટી કમિશ્નર સહિત અન્ય વિભાગો માંથી લીધેલ ન હોય તેથી તેઓ દ્વારા જણાવેલ આ સર્વે નંબરોમાં દબાણ દૂર કરી તેના માલિકોની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.
તેમજ આ સંદર્ભે કેટલાક લોકોને નોટિસો પણ ફટકારી હોવા છતાં હજુ સુધી કોઈ દબાણ હટાવવાની કાર્યવાહી કેમ હાથ ધરાઈ નથી તે વિચારવા લાયક બાબત છે.