Export કરનારા ભારતના નાના યુનિટોને RBI એ ફાયદો કરાવી આપ્યો

આરબીઆઈએ નિકાસકારો માટે વિવિધ પગલાં જાહેર કર્યાં
(એજન્સી)મુંબઈ, અમેરિકાના ૫૦ ટકા ટેરિફનો સામનો કરવા માટે નિકાસકારો માટે રિઝર્વ બેન્કે અનેક પગલાં જાહેર કર્યા છે. આ પગલામાં પેપરવર્કમાં ઘટાડો, નાના નિકાસકારો અને આયાતકારો માટે કમ્પ્લાયન્સનો બોજ હળવો કરવાનો સમાવેશ છે.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હાત્રાએ કહ્યું હતું કે દેશના અર્થતંત્ર માટે નિકાસ મહત્વનો ભાગ છે.આરબીઆઈએ કરેલી જાહેરાતમાં ભારતીય નિકાસકારો માટે આઈએફએસસીમાં ફોરેન કરન્સી એકાઉન્ટ રિપેટ્રિએશનનો સમયગાળો એક મહિનાથી વધારીને ત્રણ મહિના કરાયો છે.
જાન્યુઆરીમાં આરબીઆઈએ નિકાસકારોને ભારતની બહાર બેન્કમાં ફોરેન કરન્સી એકાઉન્ટ્સ શરૂ કરવાની મંજૂરી આપી હતી જેથી નિકાસ પ્રક્રિયાનું રિયલાઈઝેશન સારી રીતે પાર પડે. આ ખાતામાં રહેલા ફંડનો ઉપયોગ આયાતની ચૂકવણી માટે કરી શકાય છે અથવા મહિનાના અંતે રિપેટ્રિયેટ કરી શકાય છે.
આ માટેનો સમયગાળો હવે ત્રણ મહિના કરી દેવાયો છે. તેનાથી નિકાસકારો આઈએફએસસી બેન્કિંગ યુનિટ્સમાં વધુ સંખ્યામાં ખાતા ખોલવા માટે પ્રોત્સાહિત થશે અને ફોરેક્સ લિક્વિડિટી પણ વધારશે. આ અંગે ટૂંકમાં નોટિફિકેશન બહાર પડશે.આરબીઆઈએ આ ઉપરાંત મર્ચન્ડાઈઝ ટ્રેડ ટ્રાન્ઝેક્શન્સ માટે ફોરેક્સ આઉટલે(ખર્ચ)નો સમયગાળો ચાર મહિનાથી વધારીને છ મહિના કરી દીધો છે.