Western Times News

Gujarati News

વિજયાદશમી પર્વની ગોધરા સહિત પંચમહાલમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી

(પ્રતિનિધિ) ગોધરા,  અસત્ય ઉપર સત્યનો અને આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય દર્શાવતું પર્વ એટલે વિજયા દશમી, જેને આપણે દશેરા તરીકે ઉજવીએ છીએ. નવરાત્રિના નવ દિવસ સુધી માતાજીની આરાધના અને ગરબા-ડાંડીયાની રમઝટ બાદ દસમા દિવસે વિજયાદશમીનો પાવન ઉત્સવ આખા દેશમાં જ નહીં પરંતુ ગોધરા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં ભારે ધામધુમથી મનાવવામાં આવ્યો હતો.

શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ રાવણદહન, શસ્ત્રપૂજન, ભવાઈ તેમજ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. લોકો ભક્તિભાવથી ઉમટી પડ્‌યા હતા અને દરેક સ્થળે પર્વની ઉજવણીનો વિશેષ માહોલ સર્જાયો હતો.

પર્વ દરમિયાન શાંતિ અને સુવ્યવસ્થાને જાળવી રાખવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. મોટા કાર્યક્રમો અને રાવણદહન સ્થળોએ પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરતા નજરે પડ્‌યા હતા.

દશેરાની ઉજવણી ફાફડા-જલેબી વિના અધૂરી ગણાય છે. આ કારણે ગોધરા અને આસપાસના વિસ્તારોમાં ફરસાણના વેપારીઓએ આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. વહેલી સવારે જલેબી તળવાની સુગંધ અને ફાફડાની ચટપટી ખુશ્બુએ સમગ્ર શહેરના ખૂણેખૂણે ઉત્સવનો માહોલ સર્જી દીધો હતો.ગોધરા શહેરમાં જ ૧૦૦થી વધુ ફાફડા-જલેબીના કાઉન્ટરો ઉભા કરાયા હતા.

વેપારીઓ ગ્રાહકોની ભારે માગ પૂરી કરવા સતત કાર્યરત રહ્યા હતા.દરેક વર્ષે દશેરા પર્વે ગોધરાવાસીઓ મોટી સંખ્યામાં ફાફડા-જલેબીની જીયાફત માણે છે. આ વર્ષે તો અંદાજે મોટા પ્રમાણમાં ફાફડા-જલેબીનો વેપાર થયો હોવાનું અનુમાન જણાઈ આવે છે.વહેલી સવારે લોકો કાઉન્ટરો પર ઉમટી પડ્‌યા હતા અને પરિવાર સાથે જીયાફત માણતા જોવા મળ્યા હતા.

ગરબાની મસ્તીમાં ઝૂમી ઉઠેલા ખેલૈયાઓએ નવરાત્રિના નવ દિવસ બાદ દશેરા પર્વે પરિવાર સાથે ફાફડા-જલેબી આરોગીને પર્વની મજા માણી હતી. શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરસાણના દુકાનો તથા રસ્તા-રસ્તા પર ઉભેલા કાઉન્ટરો પર ભારે ભીડ જોવા મળી હતી.વિજયાદશમીનો આ મહાપર્વ માત્ર ધાર્મિક નથી,

પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક રીતે લોકોને એકતા અને ભાઈચારા સાથે જોડતો ઉત્સવ છે. ગોધરા અને પંચમહાલમાં આજના દિવસે ભક્તિ, આનંદ, સ્વાદ અને ઉત્સાહનો સંગમ જોવા મળ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.