દશેરાના દિવસે ગોધરામાં દાદાનું બુલડોઝર ફર્યું

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) (પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં દશેરાના પાવન દિવસે પ્રશાસન દ્વારા અસામાજિક તત્વો તેમજ આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફર્યું હતું.
સિગ્નલ ફળિયા વિસ્તાર નજીક આવેલા નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર લાંબા સમયથી ગેરકાયદે દબાણ કરવામાં આવી રહ્યા હતા. નગરપાલિકા તથા પ્રશાસનને વારંવારની રજૂઆતો છતાં અસામાજિક તત્વો દ્વારા દબાણો વધતા જતા હતાં.
ગુરવાર ની વહેલી સવારે ગોધરા નગરપાલિકા, મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ વિભાગ તથા મધ્ય ગુજરાત વીજ કંપનીના સંયુક્ત તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસ ના કડક બંદોબસ્ત વચ્ચે સરકારી જમીન પર કબજો જમાવી બનાવવામાં આવેલા ૩૫ જેટલા કાચા તથા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા.
પ્રશાસનના જણાવ્યા મુજબ, નાગા તલાવડી વિસ્તારમાં દબાણ કરનારામાંથી કેટલાક લોકો પર ગંભીર આરોપો પણ નોંધાયેલા છે. ગત માર્ચ માસમાં ગોધરા નજીકના ભામૈયા ગામના શિવ મંદિરમાં તોડફોડ કરી ચોરી કરનાર આરોપીઓ દ્વારા પણ આજ વિસ્તારમાં કાચા તેમજ પાકા ગેરકાયદેસર મકાનો બાંધવામાં આવ્યા હતાં. આ કારણે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગેરકાયદેસર કબજો દૂર થાય તે માટે તંત્રે સંયુક્ત ડિમોલેશન અભિયાન શરૂ કર્યું હતું.
દબાણ તોડણી દરમિયાન સ્થળ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ૪ ડીવાયએસપી ૧૧ પીઆઇ અને ૯૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ નો કાફલાબંધી ગોઠવવામાં આવ્યો હતો. વીજ કંપની દ્વારા દબાણગ્રસ્ત વિસ્તારોની ગેરકાયદેસર વીજ લાઈનો પણ કાપી નાખવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ મળીને, દશેરાના દિવસે ગોધરા શહેરમાં કરાયેલ આ દબાણ તોડણીની કાર્યવાહી મોટા પાયે ચર્ચાનો વિષય બની છે. પ્રશાસન દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
અસામાજિક તત્વો તથા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો ને કોઈપણ પરિસ્થિતિમાં છોડવામાં નહી આવે તેઓની સામે કડક મા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.