ભારત-ચીન વચ્ચે ૫ વર્ષે ૨૬મીથી ફરી ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ થશે

નવી દિલ્હી, પૂર્વી લદ્દાખમાં સીમા પરના સંઘર્ષના પાંચ વર્ષ પછી ભારત અને ચીન વચ્ચે ૨૬ ઓક્ટોબરથી ડાયરેક્ટ ફ્લાઇટનો પ્રારંભ થશે. ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે બેઠકના એક મહિના પછી વિદેશ મંત્રાલય એ આ જાહેરાત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય એરલાઇન ઇન્ડિગો અને ચાઇના ઇસ્ટર્ન બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરનારી પ્રથમ બે એરલાઇન્સ હશે. ઇન્ડિગોએ ૨૬ ઓક્ટોબરથી કોલકાતાથી ગુઆંગઝુ સુધી દૈનિક ફ્લાઇટ્સ ચાલુ કરવાની યોજના બનાવી છે.
૨૦૨૦માં કોવિડ-૧૯ મહામારીને પગલે બંને પક્ષો વચ્ચે ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરાઈ હતી.પૂર્વી લદ્દાખમાં ઘર્ષણ મુદ્દે તેને પુનઃસ્થાપિત કરાઈ ન હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતથી ભારત અને ચીન વચ્ચેના સંબંધોને ધીમે ધીમે સામાન્ય બનાવવાના સરકારના અભિગમના ભાગરૂપે બંને દેશોના નાગરિક ઉડ્ડયન અધિકારીઓએ બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા અને સુધારેલા હવાઈ સેવાઓ કરાર પર ચર્ચાવિચારણા કરી છે.
ભારત અને ચીનમાં નિર્ધારિત સ્થળોને જોડતી સીધી હવાઈ સેવાઓ ઓક્ટોબરના અંત સુધીમાં ફરી શરૂ કરવા સંમત થયા છે. આ કરાર ભારત અને ચીન વચ્ચેના લોકો-થી-લોકોના સંપર્કને વધુ સરળ બનાવશે.SS1MS