વસ્ત્રાલમાં મોબાઈલ ગેમ રમતા પતિને ટોકતા પત્નીને માર માર્યો

અમદાવાદ, રામોલમાં પાંચ મહિના અગાઉ પ્રેમલગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરનાર પરિણીત યુવતીને તેના પતિના સ્વભાવનો કડવો અનુભવ થયો છે.
પુસ્તક વાંચતી પત્નીને ખલેલ પહોંચતા પતિને બીજા રૂમમાં જઈને મોબાઈલમાં ગેમ રમવાનું જણાવ્યું અને ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીને ગડદાપાટુનો ઢોર માર માર્યાે અને પેટમાં લાતો મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધી હતી.
આ અંગે ઈજાગ્રસ્ત પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.વસ્ત્રાલના મહાદેવનગર નજીક રહેતી નીતાબેન પટેલ (નામ બદલ્યું છે) પાંચેક મહિના અગાઉ કિશન પટેલ નામના યુવક જોડે પ્રેમ લગ્ન કર્યા હતા.
લગ્નના એકાદ મહિના સુધી દંપતી વચ્ચેના સંબંધો સારા હતા. પરંતુ બાદમાં પતિ નોકરીએ જતા પત્ની કોઈ કામ અર્થે ઘરની બહાર નીકળી હોય અથવા પાડોશમાં કોઈને સાથે હસીને વાતચીત કરતી હોય તો પતિ તેની સાથે મારઝૂડ કરતો અને ઘરની બહાર નહીં નીકળવાનું કહીને બળજબરી કરતો હતો.
આ દરમિયાન ૧૮ સપ્ટેમ્બરની રાતે પત્ની પુસ્તક વાંચતી હતી, અને તેનો પતિ મોબાઈલમાં ગેમ રમતો હતો. જેથી અવાજ વધુ આવતા પત્નીએ ગેમ રમવી હોય તો બહારના રૂમમાં જઈને રમો, મારે અહીંયા વાંચવામાં ખલેલ પડે છે તેવું કહેતા પતિ કિશન પટેલ ગુસ્સે ભરાયો અને તેની પત્નીને ગડદાપાટુનો માર મારી પેટના ભાગે જોર જોરથી લાતો મારવા લાગ્યો હતો.
આ સમયે પતિએ હાથમાં પહેરેલું લોખંડનું કડું પત્નીને નાકના ભાગે વાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું. તેમ છતાં પતિ તેની પત્નીને સારવાર માટે નહીં લઇ જતા પત્નીએ પાડોશીને ફોન કરીને મદદ માગી અને સારવાર માટે હોસ્પિટલ પહોંચી હતી.
હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરિણીતા તેના પિતાના ઘરે જતી રહી અને ત્યાં પરિવારને જાણ કરીને પતિ કિશન હિમંતભાઈ પટેલ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.SS1MS