પાકિસ્તાન આતંકવાદ નહીં રોકે તો તેની ભૂગોળ બદલી નાંખીશુ-ભારતીય સેના પ્રમુખની ચેતવણી

ભારત ઓપરેશન સિંદૂર-૨માં સંયમ નહીં રાખે -પાકિસ્તાનના પાંચ એફ-૧૬ અને જેએફ-૧૭ ફાઇટર જેટ તબાહ થયા હતા
(એજન્સી)નવી દિલ્હી, ભારત પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં કરેલા ઓપરેશન સિંદૂર હજુપણ ચાલુ જ છે તેવું વડાપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું છે ત્યારે બીજીબાજુ આજે ભારતીય સેના અધ્યક્ષ અને વાયુસેના અધ્યક્ષે પાકિસ્તાનને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે, જો હવે કોઈપણ ભૂલ કરી છે અને આતંકવાદ નહીં રોક્યો તો ઓપરેશન-૨માં ભારતીય સેના સંયમ નહીં રાખે અને પાકિસ્તાનની ભૂગોળ જ બદલી નાંખશે. ભારતીય લશ્કરનાં અધિકારીઓનાં આ નિવેદનથી ભારે હડકંપ મચી ગયો છે.
ભારતીય થલ સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે, આ વખતે ભારત ઓપરેશન સિંદૂર ૧.૦ જેવો સંયમ નહીં રાખે. શુક્રવારે નવી મંડી ઘડસાણાના ગામ સ્થિત સરહદી વિસ્તારની મુલાકાત લીધા બાદ તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘જો પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે તો ભારત એવી કાર્યવાહી કરશે કે પાકિસ્તાનનો નકશો જ બદલાઈ જશે. પાકિસ્તાને વિચારવું પડશે કે તેને ઇતિહાસ અને ભૂગોળમાં રહેવું છે કે નહીં.’
તેમણે ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘આ ઓપરેશનમાં પાકિસ્તાનના ૯ આતંકી ઠેકાણા તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં ૧૦૦ પાકિસ્તાની સૈનિકો અને અનેક આતંકીઓ માર્યા ગયા હતા.’ તેમણે આ સફળતાનો શ્રેય સેના અને સ્થાનિક લોકોને આપ્યો હતો. તેમણે ઓપરેશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ બીએસએફની ૧૪૦મી બટાલિયનના કમાન્ડન્ટ પ્રભાકર સિંહ, રાજપૂતાના રાઇફલ્સના મેજર રિતેશ કુમાર અને હવલદાર મોહિત ગૈરાને સન્માનિત કર્યા હતા.
જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે, ‘આ ઓપરેશનનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાખ્યું હતું અને ભારતે તોડી પાડેલા આતંકી ઠેકાણાઓના પુરાવા સમગ્ર વિશ્વને આપ્યા હતા, જેથી પાકિસ્તાન તેને છુપાવી ન શકે. આ વખતે ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે અને ઓપરેશન સિંદૂર ૧.૦ની જેમ સંયમ નહીં રાખે. ભારત એવી કાર્યવાહી કરશે, જેમાં પાકિસ્તાને વિચારવું પડશે કે, તેણે ઈતિહાસ કે ભૂગોળમાં રહેવું છે કે નહીં. જો તેણે ભૂગોળમાં રહેવું હોય તો આતંકવાદને મદદ કરવાનું બંધ રકવું પડશે.’
ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર દરમિયાન તેની ઓકાત દેખાડી દીધી હતી, પરંતુ પાક પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ ખોટું બોલવાનું છોડી રહ્યા નથી. ભારતીય વાયુસેનાના પ્રમુખ એપી સિંહે પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. તેમણે મોટો ખુલાસો કરતા કહ્યુ કે ભારતીય સેનાએ પાકિસ્તાનના ૪-૫ ફાઇટર જેટ ધરાશાયી કર્યાં હતા. પાકિસ્તાને આ ઓપરેશન દરમિયાન ભારે કિંમત ચુકવવી પડી છે.
એરફોર્સ ચીફ એપી સિંહે કહ્યુ- પહેલગામ હુમલા માટે પાકિસ્તાને ભારે કિંમત ચુકવવી પડી. ઓપરેશન સિંદૂરને ઈતિહાસમાં યાદ કરવામાં આવશે. અમે ૩-૪ દિવસમાં યુદ્ધ પૂરૂ કર્યું. દુનિયાએ ભારત પાસેથી શીખવું જોઈએ કે યુદ્ધને કઈ રીતે ખતમ કરી શકાય છે. અમે પાકિસ્તાનની સરહદની અંદર ૨૦૦ કિલોમીટર સુધી વાર કર્યો.
અમારી જમીનથી માર કરનારી મિસાઇલ અચૂક અને અભેદ હતી. આ દરમિયાન પાકિસ્તાનના સામાન્ય લોકોને કોઈ નુકસાન થયું નહીં. એપી સિંહે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને થયેલા નુકસાન પર કહ્યુ, અમારી સેનાએ પાકિસ્તાનના ૪-૫ ફાઇટર જેટ પાડી દીધા. તેમાં જેએફ-૧૬ સામેલ હતું. ગુપ્ત રિપોર્ટ પ્રમાણે અમે પાકની મિસાઇલ સિસ્ટમને પણ ભારે નુકસાન પહોંચાડ્યું.
તેની ૪ રડાર સિસ્ટમ, ૨ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને મોટી સંખ્યામાં એરફીલ્ડને નુકસાન પહોંચ્યું છે. તેના હેંગર્સમાં ઉભેલા સી-૧૩૦ને પણ તબાહ કરી દેવામાં આવ્યું. તેમણે કહ્યું, ઓપરેશન સિંદૂર દ્વારા અમે વાયુ શક્તિ વિશે શીખ્યા, અને અમને સમજાયું કે આપણે કેટલી હદ સુધી પ્રહાર કરી શકીએ છીએ. વાયુ શક્તિની સુસંગતતા અકબંધ રહેવી જોઈએ.
હું અમારા બધા દેશવાસીઓને વચન આપું છું કે જ્યારે પણ ભારતીય વાયુસેનાની જરૂર પડશે, ત્યારે અમે અમારી જવાબદારી સારી રીતે નિભાવીશું. જો તેઓ (પાકિસ્તાન) વિચારશે કે તેમણે અમારા ૧૫ ફાઇટર જેટ તોડી પાડ્યા છે, તો તેમને વિચારવા દો.
આગલી વખતે જ્યારે તેઓ અમારી સાથે લડવા આવશે, ત્યારે તેઓ એવું વિચારીને આવશે કે તેઓ ૧૫ ઓછા ફાઇટર જેટ લડશે. તેમની વિચારસરણી પરીકથાઓ જેવી છે.વાયુસેનાના વડા એપી સિંહે કહ્યું કે, પહલગામ હુમલા માટે પાકિસ્તાને ભારે કિંમત ચૂકવી હતી. ઓપરેશન સિંદૂરને ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે. અમે ૩-૪ દિવસમાં યુદ્ધ પૂર્ણ કર્યું હતું.