દમણની ફેક્ટરીમાં કરાતું હતું ડ્રગ્સનું ઉત્પાદનઃ ૧ની ધરપકડ ૩ ફરાર

વાપીમાંથી એમડી ડ્રગ્સનું ગોડાઉન ઝડપાયું-ફરાર થયેલા બે મુખ્ય આરોપીઓમાં વાપીના આદર્શ બંગલોઝનો રહેવાસી મેહુલ રાજનેસિંગ ઠાકુર અને વાપીના ગાયત્રીનગરનો કેમિસ્ટ વિવેક બલેન્દ્ર રાયનો સમાવેશ થાય છે.
(એજન્સી)વાપી, ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનો ફેલાવો અટકાવવા માટે ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એટીએસએ દમણ પોલીસ અને વલસાડ ર્જીંય્ના સહયોગથી ગુરુવારે દમણમાં એક ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે, જ્યાં સિન્થેટિક ડ્રગ મેફેડ્રોનનું મોટા પાયે ઉત્પાદન થતું હતું, જે વાપીના ચાલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં સ્ટોર કરવામાં આવતું હતું
એટીએસ ટીમે આ ઓપરેશનમાં રૂ. ૩૦ કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતો ૫.૯ કિલોગ્રામથી વધુ નશીલો પદાર્થ જપ્ત કર્યો છે. ડ્રગ્સ ઉપરાંત, ઉત્પાદનમાં વપરાયેલો ૩૦૦ કિલોગ્રામ કાચો માલ અને અત્યાધુનિક સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રગ્સની આ ફેક્ટરી દમણના બામનપુજા સર્કલ પાસે આવેલા એક ફાર્મહાઉસમાં ચલાવવામાં આવતી હતી, જ્યારે તૈયાર થયેલું એમડી ડ્રગ્સ મુંબઈ સપ્લાય કરવા માટે વાપીના ચાલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં સ્ટોર કરવામાં આવતું હતું. નિશ્ચિત બાતમીના આધારે એટીએસ ટીમે ૨ ઓક્ટોબરના રોજ આ બંને સ્થળો પર દરોડા પાડ્યા હતા.
ઓપરેશનનું નેતૃત્વ કરનાર નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીએ જણાવ્યું કે, દરોડામાં મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાયું હતું. અમે તૈયાર માલ, કાચા રસાયણો, ગ્રાઇન્ડર, મોટર, ફ્લાસ્ક અને હીટર સહિતના ઉત્પાદન સાધનો જપ્ત કર્યા છે. સ્થળ પરથી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે.
ઝડપાયેલા આરોપીની ઓળખ વાપીના તપોવન-૨ના રહેવાસી મોહન નારાયણલાલ પાલીવાલ તરીકે થઈ છે. મોહનનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને તે અગાઉ એનડીપીએસ એક્ટ હેઠળ બે કેસમાં ઝડપાયો હતો. અધિકારીઓએ ઉમેર્યું કે પાલીવાલ પેરોલ જમ્પ કરીને ફરાર હતો અને આ રેકેટમાં ફરી સક્રિય થયો હતો.
ફરાર થયેલા બે મુખ્ય આરોપીઓમાં વાપીના આદર્શ બંગલોઝનો રહેવાસી મેહુલ રાજનેસિંગ ઠાકુર અને વાપીના ગાયત્રીનગરનો કેમિસ્ટ વિવેક બલેન્દ્ર રાયનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેમને ઝડપી પાડવા માટે ટીમો રવાના કરવામાં આવી છે.
પાલીવાલની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ત્રણેય છેલ્લા ત્રણથી ચાર મહિનાથી કાચો માલ અને સાધનો એકઠા કરી રહ્યા હતા. તેઓ દમણના ફાર્મહાઉસમાં રાસાયણિક પ્રક્રિયા કરીને ડ્રગ્સ બનાવતા હતા અને તૈયાર એમડી ડ્રગ્સ ઠાકુરના વાપી સ્થિત બંગલામાં જમા કરતા હતા. આ કન્સાઇનમેન્ટ મુંબઈ સપ્લાય કરવાનું હતું.
એક વરિષ્ઠ એટીએસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે આ કાર્ટેલના ખરીદદારો, નાણાં પૂરા પાડનારાઓ અને અન્ય સભ્યો સહિતની મોટી સપ્લાય ચેઇનની તપાસ કરી રહ્યા છીએ. ઓપરેશનની નાણાકીય લેવડ-દેવડ અને આંતર-રાજ્ય કનેક્શનની પણ તપાસ ચાલી રહી છે. એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.