કવોરી તથા ખાણોમાંથી રોયલ્ટી ચોરી કરી નીકળતા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવા માંગ

પ્રતિકાત્મક
ભરૂચ, ઝઘડિયા તાલુકાના જનજાતિ સુરક્ષા મંચ દ્વારા તાલુકાના કેટલા ગામોમાં આવેલ ક્વોરી તેમજ પથ્થરની ખાણોમાંથી રોયલ્ટી ચોરી કરી ઓવરલોડ નીકળતા વાહનો સામે તથા આવા વાહનો ગ્રામીણ રસ્તાઓ પરથી પસાર થતાં રસ્તાઓ તૂટી જવા બાબતે તેમની સામે વસુલાત કરવા મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
લેખિત રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના અસનાવી વિસ્તારમાં ચાલતી ક્વોરીઓમાંથી મોટા હાઈવા અને ટ્રકો ડસ્ટ કપચી અને મેટલ જેવા રો મટીરીયલ ભરીને ગેરકાયદેસર રીતે રોયલ્ટી બચાવવા માટે મોટા અણધરાથી નાના અણધરા વાયા શિયાલી વાસણા થઈ વંઠેવાડ ના સિંગલ રસ્તાઓ મારફતે અંકલેશ્વર તરફ નીકળતા હોય છે,ગ્રામીણ રસ્તાઓ હાલમાં જ નવા બન્યા પછી થોડા સમયમાં જ આવા ભારે વાહન પસાર થવાથી રસ્તા ખરાબ થઈ ગયા છે,
રોયલ્ટી ચોરી કરી રૂપિયાની બચત કરવાના ચક્કરમાં ગ્રામીણ રસ્તાઓ બેહાલ બની ગયા છે,જેથી સ્થાનિકોને ભારે હાલાકી પડતી હોય છે, આવા ભારે વાહન માલિકો ગેરકાયદેસર રીતે માટી ખોદી ઝઘડિયા તથા અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી કંપનીઓમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી ચોરી કરી ગ્રામીણ રસ્તાઓ મારફતે માટી પુરી પાડતા હોય છે,જેથી આવા ગ્રામીણ રસ્તાઓ પર ચાલતા વાહનોને રોકવામાં આવે અને બેરીકેટ્સ મૂકવામાં આવે,અતિ?
ભારે વાહનો માટે સામાન્ય હાઈટ પર એંગલ લગાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આવા ગેરકાયદેસર રીતે સરકારની તિજોરી પર તરાપ મારી રોયલ્ટી ચોરી કરી ઓવરલોડ વાહનો હંકારવાના કારણે ગ્રામીણ રસ્તાઓને ભારે નુકસાન થયું છે.જેથી આવા ભુમાફીયાઓ સામે તેની રોડ મરામતની ખર્ચની રકમની વસુલાત કરી રસ્તાઓ મરામત કરવા તેમજ ઉપરોક્ત જણાવેલ ગામડાઓના રસ્તાઓ રિપેર કરી ભારે વાહનો તાત્કાલિક બંધ કરાવવા રજૂઆત કરી છે.