ગ્રાહકોને ઝેર-મુક્ત ઉત્પાદનોમાં વિશ્વાસ જાગશે, તો તેઓ વધુ કિંમત ચૂકવવા પણ તૈયાર થશે: રાજ્યપાલ

પ્રતિકાત્મક
ગુજરાત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનનું નેતૃત્વ કરશે; વેચાણ વ્યવસ્થા વધુ મજબૂત કરવા પર ભાર
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા અર્થે રાજભવન ખાતે રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે રાજ્ય કક્ષાની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલશ્રીએ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમના ઝેર-મુક્ત ઉત્પાદનો માટે યોગ્ય બજાર અને વળતર મળી રહે તે માટે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી જરૂરી છે. તેમણે કહ્યું કે, જ્યારે ગ્રાહકોને તેમના આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક એવા ઝેર-મુક્ત ઉત્પાદનોમાં વિશ્વાસ જાગશે, ત્યારે તેઓ આવી વસ્તુઓ ખરીદવા માટે વધુ કિંમત ચૂકવવા પણ તૈયાર થશે.
રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનમાં ગુજરાત અગ્રેસર રહેશે અને આ મિશનનું નેતૃત્વ કરશે.
તેમણે પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત અને ઘનજીવામૃત જેવા ઇનપુટ્સની ગુણવત્તા જાળવવી જરૂરી હોવા પર ભાર મુક્યો હતો. ઇનપુટ્સની ગુણવત્તા સારી નહીં હોય તો ખેડૂતોને યોગ્ય પરિણામ નહીં મળે, જેનાથી ખેડૂતો નિરાશ થઈ શકે છે.
પ્રાકૃતિક કૃષિના આધારસ્તંભ સમાન દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવા અને તેમની નસલમાં સુધારો કરવા માટે રાજ્યપાલશ્રીએ સૂચનો આપ્યા હતા. તેમણે રાજ્યભરમાં સેક્સડ સોર્ટડ સિમેન સરળતાથી મળી રહે તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં સતત સંશોધનો કરવા અને તેના પરિણામો ખેડૂતો સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ, સોશિયલ મીડિયા, સ્થાનિક અખબારો, ખેડૂતોની સક્સેસ સ્ટોરી અને સફળ ખેડૂતોના ખેતરો પર પ્રત્યક્ષ નિદર્શન દ્વારા પ્રચાર-પ્રસાર વધારવા પર ભાર મૂક્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ફક્ત ખેડૂતો માટે જ નહીં, પરંતુ પર્યાવરણની ગુણવત્તા, જન આરોગ્ય અને ભાવિ પેઢી માટે પણ અત્યંત ફાયદાકારક છે. આ મિશનને સફળ બનાવવું એ સમયની માંગ છે અને આ માટે સૌને નિષ્ઠાપૂર્વક કામ કરવા તેમણે આહવાન કર્યું હતું.
આ તકે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે, આગામી રવિ સિઝનને ધ્યાનમાં રાખીને જિલ્લાવાર લક્ષ્યાંક નક્કી કરી વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા આયોજનબદ્ધ કાર્ય કરીએ. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે. બજારમાં પ્રાકૃતિક ઉત્પાદનોની માંગ વધી રહી છે. આ માંગને પહોંચી વળવા અને ખેડૂતોને યોગ્ય બજાર પૂરું પાડવા માટે વેચાણ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે.
રાજ્યપાલશ્રી દ્વારા ગ્રામીણ સ્તરે ખેડૂતો સાથે સીધો સંવાદ કરવાના પ્રયાસોને બિરદાવતા, કૃષિ વિભાગના તમામ અધિકારીઓ અને નિષ્ણાતોને આ કાર્યમાં દિલથી જોડાઈને ગુજરાતને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશનું મોડેલ સ્ટેટ બનાવવા માટે સામૂહિક રીતે કામ કરવા મંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.
આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ.અંજુ શર્મા, રાજભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા, પશુપાલન વિભાગ અને કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.